અમેરિકાના ટેક્સાસમાં મેક્સિકોથી આવેલા ટ્રકમાં અત્યાર સુધી 51 મૃતદેહ મળી ચૂક્યા છે. આ લોકો ગેરકાયદે રીતે ટ્રકમાં ઠૂંસી ઠૂંસીને લવાયા હતા. આ ભયાવહ ઘટનાના કારણે શરણાર્થીઓનો મુદ્દો ફરી ગરમાવો પકડી રહ્યો છે. તેનું એક બીજું પાસું એ પણ છે કે, હાલના વર્ષોમાં ગેરકાયદે રીતે ઘૂસવાના મામલામાં ભારતીયોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે.થોડા સમય પહેલા અમેરિકન ફેડરલ એજન્સીએ કેનેડામાંથી અમેરિકામાં ભારતીયોને ગેરકાયદે પ્રવેશ કરાવતી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. આ ગેંગના વડા જસપાલ ગિલની પણ ધરપકડ કરી લેવાઈ છે, જે કેલિફોર્નિયામાંથી નેટવર્ક ચલાવતો હતો. આ તપાસમાં સામેલ એક ફેડરલ એજન્ટે ભાસ્કરને કહ્યું કે, આ ગેંગે ઉબર કેબ થકી હજારો ભારતીયોને ગેરકાયદે રીતે અમેરિકા પહોંચાડી દીધા છેઆ માટે ગિલે દરેક પાસેથી રૂ. 23 લાખથી રૂ. 55 લાખ વસૂલ કર્યા હતા. આ લોકોને ટુરિસ્ટ વિઝા પર કેનેડા લવાય છે અને અહીંથી તેમને નકલી દસ્તાવેજોના આધારે ઉબર કેબ થકી અમેરિકા મોકલાય છે. આ તપાસનું નેતૃત્વ કરનારા હોમલેન્ડ સિક્યોરિટી એજન્ટ ડેવિટ એ. સ્પિટ્ઝર કહે છે કે, એશિયામાંથી ખાસ કરીને ભારતીયોને ઉબર કેબમાં અમેરિકા લવાય છે. ઘણી વાર કાયદાકીય ગૂંચનો સામનો કરવા માટે તેમની પાસે નકલી દસ્તાવેજો પણ હોયછે. ગિલ ગેંગના 17 ઉબર એકાઉન્ટ મળી ચૂક્યા છેથિંક ટેન્ક ન્યૂ અમેરિકન ઈકોનોમીના રિપોર્ટ પ્રમાણે, અમેરિકામાં કુલ એક કરોડ ગેરકાયદે પ્રવાસી છે, જેમાંથી છ લાખના આંકડા સાથે ભારતીયો ત્રીજા ક્રમે છે. અહીં ગેરકાયદે પ્રવેશનો બિઝનેસ પણ અબજોનો છે. અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશ કરનારી દરેક વ્યક્તિ રૂ. 20 લાખથી રૂ. 50 લાખનો ખર્ચ કરે છે. 2021માં મેક્સિકો સરહદે 2600 ભારતીય ઝડપાયા હતા. મહામારી અગાઉથી ભારતીયોની સંખ્યા ઝડપથી વધી રહી છે.