ચાલુ ભાષણ દરમિયાન નેવીના પૂર્વ સૈનિકે ગોળી મારી, ફાયરિંગ કર્યા બાદ થોડીવાર સ્થળ પર જ ઊભો રહ્યો હતો

0
6
શિન્ઝોને ગોળી વાગ્યાની 15 મિનિટ પછી એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી
જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની સ્થિતિ અત્યંત નાજુક છે.

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર શુક્રવારે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જાપાનના પબ્લિક બ્રોડકાસ્ટર એનએચકેના અહેવાલ મુજબ, આ ઘટના સ્થાનિક સમય મુજબ સવારના લગભગ 11.30 વાગ્યે બની હતી. પૂર્વ પીએમને ગોળી વાગ્યાની 15 મિનિટ પછી એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી. પોલીસે શિન્ઝો આબેને ગોળી મારનાર હુમલાખોરની ધરપકડ કરી છે.ધ જાપાન ટાઈમ્સના અહેવાલ મુજબ, શિન્ઝો આબેને ગોળી મારનાર શકમંદનું નામ તેત્સુયા યામાગામી છે. તેની ઉંમર 41 વર્ષની છે. તે નારા શહેરનો રહેવાસી છે. પોલીસ હજુ તેની પૂછપરછ કરી રહી છે. એવું કહેવાય છે કે તે જાપાની નેવીનો પૂર્વ સૈનિક છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હુમલો પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેનું ભાષણ શરૂ થયાના થોડા સમય બાદ જ થયો હતો. એવા પણ અહેવાલ છે કે હુમલાખોર ગોળીબાર કર્યા પછી ભાગ્યો ન હતો અને ત્યાં જ ઊભો રહ્યો હતો. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં શંકાસ્પદ હુમલાખોર ઘાત લગાવીને હુમલો કરવા માટે ઉભો રહેલો નજરે પડી રહ્યો છે.જાપાન ટાઈમ્સના અહેવાલ મુજબ ઘટના સમયે યોમિઉરી શિમ્બુન ઘટનાસ્થળે હતા. તેમણે મીડિયાને જણાવ્યું કે પૂર્વ પીએમ શિન્ઝો આબે સવારે 11.20 વાગ્યે સ્થળ પર પહોંચ્યા હતા. જ્યારે સંબોધન કરતા તેઓ લિબરલ ડેમોક્રેટિક પાર્ટીની કોન્સ્યુલર ઉમેદવારનો પરિચય આપી રહ્યા હતા, આ દરમિયાન એક હુમલાખોરે ફાયરિંગ કર્યું હતું. એ વખતે જોરદાર અવાજ સંભળાયો હતો. હુમલાખોર પાસે લાંબી નળી જેવું કોઈ હથિયાર હતું.જાપાનના પત્રકાર યોમિયુરી શિમ્બુનના જણાવ્યા અનુસાર, પૂર્વ પીએમને ગોળી વાગ્યાની 15 મિનિટ પછી એમ્બ્યુલન્સ પહોંચી હતી. બાદમાં તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં સુધીમાં ઘણું લોહી વહી ગયું હતું. કહેવાય છે કે આબેની હાલત ખૂબ જ નાજુક છે. હાર્ટ એટેક પણ આવ્યો છે. આબે 67 વર્ષના છે. તે પહેલાથી જ ગંભીર બિમારીઓ સામે લડી રહ્યા છે.જાપાનની ફાયર એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ પુષ્ટિ કરી છે કે પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની ગરદનમાં જમણી બાજુ અને છાતીમાં ડાબી બાજુએ ગોળી વાગ્યાના ઘા છે.જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની હાલત અત્યંત નાજુક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. એવા પણ સમાચાર છે કે તેના શરીરના અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના પૂર્વ પીએમ શિન્ઝો આબે પર થયેલા હુમલા બાબતે દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેણે ટ્વીટ કર્યું, ‘મારા પ્રિય મિત્ર શિન્ઝો આબે પરના હુમલાથી દુઃખી છું. મારી પ્રાર્થના તેમની, તેમના પરિવાર અને જાપાનના લોકો સાથે છે.’પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર થયેલા હુમલા બાદ જાપાનમાં રાજકીય હલચલ તેજ બની ગઈ છે. જો કે હાલમાં તો તમામ ચૂંટણી પ્રચાર હંગામી ધોરણે અટકાવી દેવામાં આવ્યો છે. જાપાનના અધિકારીઓએ આ માહિતી જણાવી છે.જાપાનનાં પીએમ ફુમિયો કિશિદાએ જણાવ્યું હતુ કે કેબિનેટની બેઠક બોલાવવામાં આવશે. મીડિયા અહેવાલો અનુસાર, દેશમાં આગામી ચૂંટણી મોકૂફ રાખવી કે નહીં તે બેઠકમાં નક્કી કરવામાં આવશે. વડાપ્રધાન ફુમિયો કિશિદાએ માહિતી આપી છે કે તમામ કેબિનેટ પ્રધાનો પ્રચારમાંથી ટોક્યો પરત ફરશે.જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ આ ઘટનાની નિંદા કરી હતી અને કહ્યું હતું કે આ પ્રકારનાં હુમલાને સહન કરવામાં આવશે નહીં. સાથે જ તેમણે માહિતી આપી હતી કે પૂર્વ પીએમ શિન્ઝો આબેને બચાવવા માટે ડોક્ટરો શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છે સરકાર જરૂરી કાર્યવાહી કરી રહી છે