છેલ્લા દસકામાં જૂજ એન્ટરટેઇનમેન્ટ શો સેન્ટ્રલ ગવર્નમેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવે છે. ‘મૈં કુછ ભી કર શકતી હૂં’ એવો જ એક શો છે જે સેન્ટ્રલ ગવર્નમેન્ટના ડિપાર્ટમેન્ટ એવા પૉપ્યુલેશન ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવ્યો છે. આ શોની ત્રીજી સીઝન હવે તૈયાર છે, જે દૂરદર્શન પર રિલીઝ થશે.
શોના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર પૂનમ મુત્તરેજા કહે છે, ‘બાળકોને જન્મ આપવા જેવી વાતથી લઈને તેણે કામ કરવું કે નહીં એવી બાબતમાં પણ મહિલાઓની ઇચ્છા નથી ચાલતી, આ વાતને ધ્યાનમાં રાખીને લોકોમાં જાગૃતિ આવે એવા હેતુથી આ શો ડિઝાઇન થયો જે ખૂબ પૉપ્યુલર થતાં હવે એની ત્રીજી સીઝન લાવીએ છીએ. મહત્વનું એ છે કે પ્રાઇવેટ ચૅનલ પર પણ હજી સુધી જૂજ શોની ત્રણ સીઝન થઈ છે.’
‘મૈં કુછ ભી કર શકતી હૂં’ની ત્રીજી સીઝનમાં વાત મુંબઈની ડૉ. સ્નેહા માથુરની છે. સ્નેહા ડૉક્ટર છે અને તે મુંબઈ છોડીને મહારાષ્ટ્રના એક નાનકડા ગામમાં પોતાની પ્રૅક્ટિસ માટે આવી જાય છે. સ્નેહાની આ સ્ટોરી મુંબઈની સત્યઘટના પર આધારિત છે. આ સ્ટોરી સાંભળ્યા પછી સ્ટાર અને સોની ટીવી સુધ્ધાંએ દૂરદર્શન પાસે ‘મૈં કુછ ભી કર શકતી હૂં’ના રાઇટ્સની માગણી કરી હતી.