રાયપુર,તા.૧૬
મધ્ય પ્રદેશ અને રાજસ્થાન પછી હવે છત્તીસગઢમાં કોંગ્રેસ સરકાર પર સંકટના વાદળો જોવા મળી રહ્યા છે. આ દાવો ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ મંત્રી બ્રીજમોહન અગ્રવાલે કર્યો છે. બ્રીજમોહનનું કહેવું છે કે કોંગ્રેસ ડરી ગઇ છે કે મધ્ય પ્રદેશ-રાજસ્થાનમાં જે થયું, તે હવે છત્તીસગઢમાં થશે.
ભાજપના નેતા બ્રીજમહોન અગ્રવાલે કહ્યું કે રાયપુરથી લઇને દિલ્હી સુધી કોંગ્રેસ પરેશાન છે. પાર્ટીમાં કોઇ નેતૃત્વ નથી અને હાઇકમાન્ડનું કોઇ નિયંત્રણ નથી. એટલા માટે તેઓ ખોટા નિર્ણયો લઇ રહ્યાં છે. રાજસ્થાન અને મધ્ય પ્રદેશ તેના અસંતોષનું પરિણામ છે. તેઓ હવે ડરી ગયા છે કે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં જે થયું, તે છત્તીસગઢમાં પણ થશે.
પૂર્વ મંત્રી બ્રીજમોહન અગ્રવાલે કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્યોમાં અસંતોષનું કારણ રાજ્યમાં ઉતાવળમાં સંસદીય સચિવોની નિમણૂંક કરવામાં આવી છે. આ જ રીતે આયોગ, નિગમ અને મંડળમાં નિમણૂંક કરવામાં આવી રહી છે. આ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની અસર છે. છત્તીસગઢમાં પ્રદેશ કોંગ્રેસ ડરી ગઇ છે. કોંગ્રેસના ધારાસભ્યોમાં ઘણો અસંતોષ છે.
ભાજપ નેતા બ્રીજમોહન અગ્રવાલના નિવેદન પર કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે કહ્યું કે એટલે કે એટલા રૂપિયા આવી ગયા છે, ભાજપ અને બ્રીજમોહન જી પાસે કે તેઓ જે રીતે હરાજી થાય છે, શું હરાજી કરવા બેઠા છો? ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું હતું કે ભાજપ તેમની સરકાર પાડવાનો પ્રયત્ન કરી રહી છે.