મુંબઈ: મુંબઈ સહિત રાજ્યમાં સતત બીજા દિવસે ધુમ્મસિયું અને ઠંડુ વાતાવરણ રહ્યું હતું. બુધવારે વહેલી સવારે વાતાવરણમાં ધુમ્મસની ચાદર ફેલાઈ ગઈ હોવાનું તેમ જ વાતાવરણ ઠંડુ હોવાને કારણે શિયાળાનું આગમન થઈ ગયું હોવાનો અનુભવ મુંબઈગરાએ વહેલી સવારે અનુભવ્યો હતો.મુંબઈમાં છેલ્લા ચાર-પાંચ દિવસ વાદળિયું વાતાવરણ રહ્યા બાદ બે-ત્રણ દિવસ વરસાદ પણ પડ્યો હતો, વરસાદને પગલે ગરમી અને ઉકળાટથી રાહત મળી હતી અને વાતાવરણમાં એકદમ ઠંડક વ્યાપી ગઈ છે, સાથે જ વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધી ગયું હોવાથી કારણે વહેલી સવારે ધુમ્મસ હોવાનું હવામાન ખાતાના અધિકારીએ કહ્યું હતું.વાતાવરણમાં ધુમ્મસ હોવાને કારણે વિઝિબિલિટી એકદમ ઓછી થઈ ગઈ હોવાથી વાહન વ્યવહારને તેમ જ લોકલ ટ્રેનોને થોડી સમસ્યા સર્જાઈ હતી. વહેલી સવારે વિઝિબિલિટી એકદમ જ ઓછી હતી. ખાસ કરીને દક્ષિણ મુંબઈ આવું વાતાવરણ જોવા મળ્યું હતું. પવઈ તળાવ પર અને બોરીવલીમાં આવેલા નેશનલ પાર્કમાં ધુમ્મસની ચાદર ફેલાઈ ગઈ હોવાનું દેખાઈ રહ્યું હતું.મુંબઈની સાથે જ રાજ્યના નાશિક સહિત અનેક જિલ્લામાં ધુમ્મસિયું વાતાવરણ રહેવાની સાથે જ મહત્તમ અને લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરી ગયો હોવાથી શિયાળાની કડકડતી ઠંડી પડી રહી હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું હતું.બુધવારે દિવસ દરમિયાન કોલાબામાં લઘુતમ તાપમાન ૨૧.૫ ડિગ્રી અને સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાન ૨૧.૦ ડિગ્રી રહ્યું હતું. ધુમ્મસિયા વાતાવરણે કારણે બુધવારે હવાની ગુણવત્તા પણ ભારે નબળી રહી હતી. ખાસ કરીને બાંદરા-કુર્લા-કૉમ્પલેક્સ, બોરીવલી સહિત નવી મુંબઈમાં બુધવારે ઍર ક્વોલિટી ઈન્ડેક્સ પર ઊંચો રહ્યો હતો. મુંબઈનો સરેરાશ ઍર ક્વોલિટી ઈન્ડેક્સ ૧૭૬ રહ્યો હતો.