દેશના અનેક રાજ્યોમાં મોલ-પાર્લરમાં ચોરી કરનારી મહિલા આખરે બેંગલુરુથી ઝડપાઇ

0
84
તેની પાસેથી સોનાના દાગીના, મોબાઇલ, રોકડ તથા દસ્તાવેજો હસ્તગત કરવામાં આવ્યા હતા.
તેની પાસેથી સોનાના દાગીના, મોબાઇલ, રોકડ તથા દસ્તાવેજો હસ્તગત કરવામાં આવ્યા હતા.

મુંબઈ: દેશના અનેક રાજ્યોમાં આવેલા જાણીતા મોલ, શોરૂમ તથા પાર્લરમાં જઇને મહિલાઓનાં પર્સ તથા બેગ ચોરનારી મહિલાને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે બેંગલુરુથી ઝડપી પાડી હતી. પકડાયેલી મહિલા બેંગલુરુથી પ્લેનમાં આવતી હતી અને બાદમાં ગુના આચરતી હતી. મહિલા સામે કોલકાતા, હૈદરાબાદ, બેંગલુરુ અને મુંબઈમાં ગુના દાખલ છે.ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૫ના અધિકારીઓએ પકડી પાડેલી મહિલાની ઓળખ મુનમુન હુસેન ઉર્ફે અર્ચના બરુહા ઉફર્એ નિકી (૪૬) તરીકે થઇ હતી. તેની પાસેથી સોનાના દાગીના, મોબાઇલ, રોકડ તથા દસ્તાવેજો હસ્તગત કરવામાં આવ્યા હતા.ફરિયાદી મહિલા ૬ એપ્રિલ, ૨૦૧૯ના રોજ તેના પુત્ર સાથે લોઅર પરેલના મોલમાં ગઇ હતી. શોરૂમમાંથી કપડાં ખરીદ્યા બાદ કેશ કાઉન્ટર પર તે બિલ ચૂકવવા ગઇ ત્યારે તેણે પોતાની બેગ કાઉન્ટર નજીક રાખી હતી, જે ચોરાઇ ગઇ હતી. બેગમાં સોનાના દાગીના, મોબાઇલ, રોકડ સહિત રૂ. ૧૩.૯૦ લાખની મતા હતી. આ પ્રકરણે એન. એમ. જોશી માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાતાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.ઉપરોક્ત મોલ તથા શિવાજી પાર્ક વિસ્તારના શોરૂમમાં પણ અગાઉ ચોરી થઇ હતી. આથી ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસ્યા હતા અને તપાસમાં ત્રણેય ગુના એક જ મહિલાએ કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે ત્યાર બાદ આરોપી મહિલા વિશે માહિતી મેળવી હતી અને સોશિયલ મીડિયા પ્રોફાઇલ તપાસતી વખતે પોલીસને મહિલાના ફોટા નજરે પડ્યા હતા. બાદમાં મહિલાને બેંગલુરુથી ઝડપી પાડવામાં આવી હતી.