મુંબઈ: કાજુંરમાર્ગ ખાતે મેટ્રો કારશેડ ઊભો કરવાના કામને હાઈ કોર્ટે સ્થાગિતી આપી છે. કારશેડની જમીન અંગેનો વિવાદ હવે કોર્ટમાં લાંબા સમય સુધી ચાલવાની શકયતા છે. આને કારણે મેટ્રોના કામમાં વિલંબ થવાની શકયતા છે. આનો સીધો ફટકો મુંબઈગરાઓને પડશે. આમ ન થાય તે માટે બીકેસીમાં બુલેટ ટ્રેન માટે પ્રસ્તાવિત જગ્યા પર કારશેડ ઊભો કરવાની વિચારણા સરકાર કરી રહી છે, એવું આધારભૂત સાધનો પાસેથી જાણવા મળ્યું છે.મેટ્રોનો આ પ્રોજેકટ મુંબઈગરાઓ માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. લોકલ ટ્રેન પર પ્રવાસીઓનો બોજ વધી રહ્યો હોવાથી મેટ્રો ટ્રેન દોડાવવાની આવશ્યકતા ઊભી થઇ છે. કાંજુરમાર્ગની જગ્યામેટ્રો કારશેડ માટે આપવાના જિલ્લાધિકારીના આદેશને મુંબઈ હાઈ કોર્ટે સ્ટે આપ્યો છે. આને પગલે કાંજુરમાર્ગની જગ્યા પર શરૂ મેટ્રો કારશેડનું કામ તાત્કાલીક બંધ કરાવવામાં આવ્યું છે. આ કેસ હવે લાંબા સમય સુધી કોર્ટમાં ચાલશે, પરિણામે તેની અસર મેટ્રોના કામ પર થશે. આને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર બીકેસીમાં બુલેટ ટ્રેન માટે પ્રસ્તાવિત જગ્યા પર કારશેડ ખસેડવાની વિચારણા કરી રહી છે.કેન્દ્ર સરકારના મહત્ત્વાકાંક્ષી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેકટના કામમાં કોરોનાના સંકટ વચ્ચે વિલંબ થઇ રહ્યો છે. આ પ્રોજેકટ માટે ૬૩ ટકા જમીન સંપાદિત કરીને તાબામાં લેવામાં આવી છે. આમાં ગુજરાતની ૭૭ ટકા, દાદરા નગર હવેલીની ૮૦ ટકા અને મહારાષ્ટ્રની ૨૨ ટકા જમીનનો સમાવેશ છે. જોકે, મહારાષ્ટ્રના પાલઘર અને ગુજરાતના નવસારી જેવા ક્ષેત્રમાં જમીન સંપાદિત કરવામાં સમસ્યા આવી રહી છે. આવી સ્થિતિમાં બીકેસીમાં બુલેટ ટ્રેન માટે પ્રસ્તાવિત જગ્યા પર હવે મેટ્રો-થ્રીનો કારશેડ ખસેડવાનો ગંભીરતાપૂર્વક વિચાર થઇ રહ્યો છે.