શાહરુખ ખાન અને ફરહાન અખ્તરની જોડીની બ્લોકબસ્ટર ફિલ્મ ડૉનની ત્રીજી સિક્વલ પણ આવી રહી છે. ૨૩ ડિસેમ્બરે ‘ડૉન -૨’ની રિલીઝને ૯ વર્ષ પૂરાં થયાં તે પ્રસંગે ડાયરેક્ટર ફરહાન અખ્તરે આ ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક યાદો સોશિયલ મીડિયા પર વાગોળી.
આ સાથે જ ‘ડૉન-૩’ના આગમનનો પણ સંકેત આપ્યો.હકીકતમાં ‘ડૉન -૩’ વિશે અવારનવાર અફવાઓ ઊડતી રહે છે. સૂત્રોનું માનીએ તો ફરહાને આ ફિલ્મને લઇને થોડાક આઇડિયા શાહરુખને સંભળાવ્યા છે, પણ શાહરુખને હજી સુધી તે પસંદ નથી આવ્યા. કેટલાંક વર્ષો પૂર્વે તો એવી અફવા હતી કે ‘ડૉન -૩’નું નામ હશે ‘ડૉન -ધ ફાઇનલ ચેપ્ટર’. આ ફિલ્મની વાર્તા પણ ફાઇનલ થઇ ચૂકી હતી, પરંતુ પછી કંઇ વાત જામી ન હતી.‘ડૉન -૩’ આવે ત્યારની વાત ત્યારે પણ ત્યાં સુધી ‘ડૉન -૨’ના અમુક રસપ્રદ કિસ્સા મમળાવવા જેવા છે.ફરહાન અખ્તરના ચાહકોએ આ ફિલ્મ લખી હતી
ફરહાન અખ્તરની આ ફિલ્મની વાર્તાથી તેના પિતા અને બોલીવુડના લોકપ્રિય લેખક જાવેદ અખ્તર તો દૂર જ રહ્યા હતા. વાત એમ હતી કે અમરિશ અને અમિત નામના બે જણ ફરહાન અખ્તર પાસે ડૉન સિક્વલના ઘણા આઇડિયા લઇને આવેલા. ફરહાને તેમને પોતાના આઇડિયા પણ બતાવ્યા અને ફિલ્મની વાર્તા લખવાની જવાબદારી આ બે જણને જ સોંપી દીધી હતી. જાવેદ અખ્તરને આ ફિલ્મની વાર્તાથી દૂર રાખવાનું કારણ આપતાં ફરહાન જણાવે છે કે આ ફિલ્મ લખવા માટે ‘ડૉન’ના ફેન્સ હોવું જરૂરી હતું અને જાવેદ અખ્તરે ડૉનની કથા લખી હોવાથી એ આ ફિલ્મના ફેન ન હોઇ શકે એટલે એમને દૂર રાખવામાં આવ્યા હતા.
કાર સિક્વન્સના શૂટિંગ પહેલાં શાહરુખે કહ્યું હતું કે તેણે ક્યારેય કાર ટકરાવી નથી કે અકસ્માત કર્યો નથી. જોકે, આ ફિલ્મના શૂટિંંગ દરમ્યાન ભૂલથી કારને કેમેરા સાથે ટકરાવી દીધી હતી. પરંતુ આ કોઇ મોટો અકસ્માત ન હતો છતાંયે શાહરુખે વચન આપ્યું હતું કે જે પણ નુકસાન થયું હશે તેની ભરપાઇ એ પોતાના ખિસ્સામાંથી કરી આપશે.
ફિલ્મમાં રિતિક રોશનનો પણ એક કેમિયો છે. પરંતુ આ વાત કોઇ જાણતું ન હતું. એ સમયે સોશિયલ મીડિયા પણ આજના સમય જેટલું તેજ ન હતું. જ્યારે પ્રેક્ષકોએ તેને ફિલ્મમાં જોયો તો લોકો ચોંકી ઊઠ્યા હતા. ફિલ્મ રિલીઝ થયા બાદ રિતિકનું નામ આ ફિલ્મની પબ્લિસિટી માટે ખૂબ કામમાં આવ્યું હતું.
આ ફિલ્મમાં બોમન ઇરાનીએ ધોકાબાજ વિલનના પાત્રને ન્યાય આપવા દાઢી વધારી હતી અને બાર કિલો જેટલું વજન પણ ઉતારી દીધું હતું.