મુંબઈ: રિપબ્લિક ચૅનલના વરિષ્ઠ પત્રકાર અર્ણબ ગોસ્વામીએ ચૅનલની ટીઆરપી વધારવા માટે લાંચ આપી હોવાનો દાવો પોલીસે કોર્ટમાં કર્યો હતો. સોમવારે કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન પોલીસે લેખિતમાં આપ્યા બાદ ટીઆરપી સ્કૅમમાં જામીન પર છૂટેલા ગોસ્વામીને માથે ફરી ધરપકડની તલવાર લટકી રહી હોવાનું કહેવાય છે.આ કેસની તપાસ કરી રહેલી પોલીસે ૨૪ ડિસેમ્બરે રેટિંગ એજન્સી બીએઆરસીના ભૂતપૂર્વ સીઈઓ પાર્થો દાસગુપ્તાની ધરપકડ કરી હતી. પાર્થો દાસગુપ્તા જ ટીઆરપી સ્કૅમના માસ્ટરમાઈન્ડ હોવાનો દાવો ક્રાઈમ બ્રાન્ચે કર્યો હતો.સોમવારે પોલીસે કોર્ટમાં અનેક મહત્ત્વના દાવા કર્યા હતા. ટીઆરપી વધારવા માટે ગોસ્વામીએ દાસગુપ્તાને રોકડ રકમ, ફોરેન ટુર, કીમતી વસ્તુઓ અને દાગીના આપ્યા હોવાનું પોલીસનું કહેવું છે.ક્રાઈમ બ્રાન્ચે ઑક્ટોબરમાં આ ટીઆરપી સ્કૅમનો પર્દાફાશ કર્યો હતો. તે સમયે પોલીસે રિપબ્લિક ચૅનલ, બૉક્સ સિનેમા અને ફક્ત મરાઠી ચૅનલનાં નામ જાહેર કર્યાં હતાં. ૨૦૧૬થી ૨૦૧૯ના સમયગાળા દરમિયાન ટીઆરપી રૅટિંગ્સ સાથે ચેડાં કરવામાં આવ્યાં હોવાની શંકા પોલીસને છે.