કર્ણાવતી મહાનગર પાલિકા ચૂંટણીમાં ભાજપા પક્ષ તરફથી ૨૬- બાપુનગર વોર્ડમાં ભાઈ શ્રીઅશ્વિનભાઇ પેથાણીને પાર્ટીએ ફરી રિપીટ કર્યા છે
અમદાવાદ: ભાજપ પ્રદેશ મોવડી મંડળે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના કોર્પોરેટરો અને સતત ત્રણ ટર્મથી જીતતા આવતાં સિનિયર કોર્પોરેટરોને ઘરે બેસાડી દીધાં છે. ભાજપ મોવડી મંડળે આજે જાહેર કરેલી ૧૯૨ ઉમેદવારોની યાદીમાં ૧૪૨ કોર્પોરેટરો પૈકી ૧૦૬ કોર્પોરેટરોની ટિકીટ કાપી નાંખી છે. ભાજપ મોવડી મંડળે નો-રિપીટ થિયરીનો અમલ કરતાં માત્ર ૩૬ વર્તમાન કોર્પોરેટરોને ફરી ચૂંટણી મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું છે. અત્રે ઉલ્લેખ કરવો અનિવાર્ય છે કે, ભાજપનો ગઢ ગણાતાં ખાડિયા, થલતેજ, ઓઢવ, કુબેરનગર, અસારવા, ઠક્કરબાપાનગર, પાલડી, વાસણા, ઓઢવ, ભાઇપુરા અને ખોખરા જેવા ૧૧ વોર્ડમાં તો આખી પેનલો બદલી નાંખી છે. અહીં ૧૧ વોર્ડમાં ૪૪ વર્તમાન કોર્પોરેટરોની કાપીને નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભાજપ દ્વારા અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ૧૯૨ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ગોતા વોર્ડમાં પારુલ પટેલને રિપીટ કરાયા છે જ્યારે ત્રણ કોર્પોરેટરોની ટિકીટ કાપી દેવાઇ છે. ચાંદલોડિયા વોર્ડમાં ભરત પટેલ અને રાજેશ્વરી પંચાલને ટિકીટ અપાઇ છે જ્યારે બે કોર્પોરેટરોની ટિકીટ કપાઇ છે. ચાંદખેડા વોર્ડમાં એક કોર્પોરેટર અરુણસિંહ રાજપુતને ફરી મેદાનમાં ઉતાર્યા છે જ્યારે તેમની સાથેના બે કોર્પોરેટરોની ટિકીટ કપાઇ છે. સાબરમતીમાં ચેતન પટેલને રિપીટ કરાયા છે. અન્ય ત્રણની ટિકિટ કપાઇ છે. રાણીપ વોર્ડમાં ગીતાબહેન પટેલને ટિકીટ અપાઇ છે અન્ય ત્રણ સાથી કોર્પોરેટરોની ટિકિટ કપાઇ છે. નવાવાડજમાં એકમાત્ર ભાવના વાઘેલાને રિપીટ કરાયા છે જ્યારે ત્રણ કોર્પોરેટરોની ટિકિટ કાપી દેવાઇ છે. ઘાટલોડિયામાં જતીન પટેલ અને ભાવના પટેલને રિપીટ કરાયા છે. બે કોર્પોરેટરોની ટિકિટ કપાઇ છે. નારણપુરા વોર્ડમાં ગીતા પટેલ અને જયેશ પટેલ રિપીટ થયા છે, અન્ય બે કપાયા છે. સ્ટેડિયમ વોર્ડમાં બે મહિલા કોર્પોરેટરો કપાઇ છે જ્યારે બે પુરુષ કોર્પોરેટર રિપીટ કરાયા છે. સરદારનગરમાં ત્રણ કોર્પોરેટરો પૈકી એક કંચન પંજવાણી રિપીટ થયા છે જ્યારે બે કોર્પોરેટરોની ટિકિટ કપાઇ છે. નરોડામાં અલકાબહેન મિસ્ત્રી, શાહીબાગ વોર્ડમાં પ્રતિભા જૈન રિપીટ થયા છે. અન્ય કોર્પોરેટરો કપાયા છે. શાહપુરમાં ત્રણ પૈકી રેખા ચૌહાણ અને જગદીશ દાંતણીયા રિપીટ કરાયા છે. નવરંગપુરામાં વંદના શાહ રિપીટ થયા છે. અન્ય ત્રણ કપાયા છે. બોડકદેવ એકમાત્ર વોર્ડ છે જ્યાં ચારેય કોર્પોરેટરો રિપીટ થયા છે. નિકોલમાં બળદેવ પટેલ, બાપુનગરમાં અશ્વિન પેથાણી, વેજલપુરમાં દિલીપ બગરિયા, રાજેશ ઠાકોર રિપીટ થયા છે. સરખેજમાં જયેશ ત્રિવેદી, મણિનગરમાં શિતલ ડાગા રિપીટ થયા છે. વસ્ત્રાલમાં ત્રણ કોર્પોરેટર પરેશ પટેલ, ગીતા પ્રજાપતિ, અનિરૂદ્ધસિંહ ઝાલા રિપીટ થયા છે. ઇન્દ્રપુરીમાં શિલ્પા પટેલ, ઇસનપુરમાં ગૌતમ પટેલ અને વટવામાં જલ્પા પટેલને રિપીટ કરવામાં આવ્યા છે. આ સિવાય ખાડિયા, થલતેજ, ઓઢવ, કુબેરનગર, અસારવા, ઠક્કરબાપાનગર, પાલડી, વાસણા, ઓઢવ, ભાઇપુરા અને ખોખરામાં વોર્ડમાં આખી પેનલને બદલે નવા ચહેરાને તક આપવામાં આવી છે. કર્ણાવતી મહાનગર પાલિકા ચૂંટણીમાં ભાજપા પક્ષ તરફથી ૨૬-બાપુનગર વોર્ડમાં ભાઈ શ્રીઅશ્વિનભાઇ પેથાણીને પાર્ટીએ ફરી રિપીટ કર્યા છે, તેમાં તેઓની બાપુનગર વિસ્તારમાં લોકલાગણી ખૂબજ જવાબદાર છે. બાપુનગર વોર્ડ-૨૬ના લોકલાડિલા નેતા શ્રીઅશ્વિનભાઇ પેથાણી ખૂબ મોટી લીડથી જીતે તેવી લોકલાગણી છે.