કોરોના ડ્યૂટી ન હોય તેવા શિક્ષકો-સ્ટાફને સ્કૂલે જવાથી મૂક્તિ અપાઈ,
રાજ્યની તમામ સ્કૂલોમાં 34 દિવસના ઉનાળું વેકેશનની શિક્ષણ વિભાગે જાહેરાત કરી
કોરોનાના કારણે શાળાઓ છેલ્લા માર્ચ મહિનાથી બંધ છે, ત્યારે 30મી એપ્રિલે શૈક્ષણિક સત્રનો અંતિમ દિવસ ગણીને પહેલી મેથી છઠ્ઠી જૂન સુધી ઉનાળુ વેકેશન ગણાવા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને શાળા સંચાલક મહામંડળ દ્વારા રજુઆત કરવામા આવી હતી. ત્યારે ગાંધીનગરના શિક્ષણ વિભાગ દ્વારા ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે, જે મુજબ, 3 મેથી 6 જૂન સુધી શાળાઓમાં ઉનાળું વેકેશન રહેશે. શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા ઠરાવમાં કહેવાયું છે કે, શિક્ષણ વિભાગ દ્વારા તારીખ 4 ફેબ્રુઆરી 2020 તથા 24 માર્ચ 2020ના ઠરાવથી તમામ શાળાઓમાં એપ્રિલ માસથી નવું શૈક્ષણિક સત્ર શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ હાલની કોરોના મહામારીની સમસ્યાના કારણે નવું શૈક્ષણિક વર્ષ અગાઉ મુજબ અર્થાત ઉનાળું વેકેશન પૂર્ણ થયાથી શરૂ કરવાનું રહેશે. આ ઠરાવમાં આગળ કહેવાયું છે કે, કોરોના વાયરસના સંક્રમણથી ઉત્પન્ન થયેલી વૈશ્વિક મહામારીને નિયંત્રિત કરવા રાજ્ય સરકાર તથા સ્થાનિક તંત્ર દ્વારા રાજ્યની સરકારી અને ખાનગી, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારી/અધિકારીઓ પૈકી જે કર્મચારી/અધિકારીઓને કોઈ કામગીરી સોંપવામાં આવેલી નથી તેમને શાળામાં આવવાનું રહેશે નહીં. પરંતુ જે સ્ટાફને કામગીરી સોંપવામાં આવેલી છે તેમને રાજ્ય સરકાર અથવા સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. સાથે જ ખાનગી સ્કૂલોના શિક્ષણો તથા સ્ટાફને પણ સ્કૂલે જવાથી મુક્તિ આપવામાં આવી છે.
1થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન: રાજ્યમાં કોરોના મહામારી વકરતા ગુજરાત સરકારે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે તથા ધોરણ 1થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી છે. સતત બીજા વર્ષે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હોય એવી આ પ્રથમ ઘટના છે. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, બોર્ડની પરીક્ષાની નવી તારીખો અંગે 15 મેએ સમીક્ષા બાદ નિર્ણય લેવાશે.
50 લાખથી વધુ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન: કેન્દ્ર સરકારના પગલે ગુજરાત સરકારે પણ ધો.1થી9 અને 11ના 50 લાખથી વધુ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે માધ્યમિક અને ઉ.મા.શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10-12ની પરીક્ષાનું તા.10થી 25 મે દરમિયાન આયોજન કર્યું હતું. જે નિર્ધારીત સમયે લેવાશે એવી મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી પણ સ્થિતિ વકરતા બોર્ડની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે.