તૌકતે વાવાઝોડાએ અમરેલીમાં સૌથી વધુ વિનાશ વેર્યો છે. તેમાં પણ જાફરાબાદ અને રાજુલાના લોકો બે દિવસ બાદ પણ બેઠા થયા નથી. જાફરાબાદમાં માછીમારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. અમરેલીમા અંદાજિત 200 જેટલી બોટમાં નુકસાન થયુ હોવાનુ સામે આવ્યુ છે. ત્યારે આ આફત સામે સાગર ખેડુઓને સરકાર સહાય ચૂકવે તેવી તેઓએને આશા છે. વાવાઝોડું વિત્યાના 36 કલાક બાદ અમરેલી જિલ્લામાં ભયાવહ ચિત્ર સામે આવી રહ્યું છે. જેમા માછીમારોના મોત સામે આવ્યા છે. જાફરાબાદમાં વાવાઝોડાની રાત્રે પાંચ યુવાનો બોટમાં હતા અને આ બોટ ભારે પવનના કારણે ઉભી ફાટી જતા દરિયામાં ડૂબી જવાથી પાંચેયનું મોત થયું હતું. આ પાંચેય માછીમારોની ગઈકાલ લાશ મળી હતી. આવી જ રીતે બોટમાં રહેલા અન્ય સાત લોકો લાપતા થયા છે. જેની હજુ કોઈ ભાળ મળી નથી. આ રીતે વાવાઝોડાથી જિલ્લામાં અનેક લોકો અને માછીમારો લાપતા છે, જેમની કોઈ ભાળ મળી નથી. અમરેલીમાં 4 માછીમારોના મોત અને 4 જેટલા માછીમારો દરિયામાં લાપતા હોવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. માછીમારોને અંદાજિત 400 કરોડ કરતા વધુનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. 18 જેટલી ટગ જહાજ દરિયા કિનારે આવતા આવતા માછીમારોના બોટને નુકસાન થયું છે.