દરજી યુવકે કોરોનાની ઘરે સારવાર લીધી હોવા છતાં હોસ્પિટલમાં સારવાર લીધાનું ખોટું સર્ટિફિકેટ બનાવી દીધું.
અમદાવાદ: કોરોના મહામારીમાં લોકોએ પૈસા મેળવવા માટે અવનવી તરકીબો અજમાવી કમાણી કરી લીધી છે. ઘણા કિસ્સામાં ડોકટરોએ સારવારના નામે દર્દીઓ પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હોવાના બનાવ બન્યા છે, તો હવે દર્દી બની મેડીકલેમના નામે પૈસા મેળવવાના કિસ્સા સામે આવી રહ્યા છે. સેટેલાઇટ વિસ્તારમાં દરજી યુવકે કોરોનામાં હોસ્પિટલમાં દાખલ થઈ સારવાર મેળવી હોવાના હોસ્પિટલના ખોટા ડોક્યુમેન્ટ વીમા કંપનીમાં રજૂ કરી ક્લેઇમ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે વીમા કંપનીનો કર્મચારી હોસ્પિટલમાં વેરિફિકેશન માટે પહોંચ્યો ત્યારે ભાંડો ફૂટ્યો હતો. હોસ્પિટલના ખોટા ડોક્યુમેન્ટ અને સહીઓ કરી છેતરપિંડી કરતા ડોકટરે દરજી યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છેમળતી માહિતી મુજબ બોડકદેવમાં આવેલા શીતલ પ્લાઝામાં રહેતા ભાવેશભાઈ ઓઝા સેટેલાઈટમાં આવેલા અક્ષર જ્યોત કોમ્પલેક્ષ ખાતે શિવમ હોસ્પિટલ ધરાવી ડોક્ટર તરીકે વ્યવસાય કરે છે. વર્ષ 2008થી સેટેલાઈટ વિસ્તારમાં શિવમ હોસ્પિટલ તેઓ ધરાવે છે. તેમની હોસ્પિટલની બાજુમાં શિવાભાઈ પરમાર દરજીની દુકાન ધરાવે છે અને શિવાભાઈ બીમાર થાય ત્યારે ભાવેશભાઈની શિવમ હોસ્પિટલ ખાતે જઈને તેઓ દવા લેતા હતા. ગત 24 માર્ચના રોજ શિવાભાઈ પરમાર બીમાર હતા. તેઓ ભાવેશભાઈ પાસે તેમની હોસ્પિટલે આવ્યા હતા ત્યારે ભાવેશભાઈ એ તેમને તપાસી જરૂરી દવા આપી હતી. શિવા ભાઈનો કોરોના ટેસ્ટ કરી આપ્યો હતો અને લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલી આપ્યો હતો. શિવાભાઈનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા શિવાભાઈએ ભાવેશભાઈને તેમની હોસ્પિટલમાં દાખલ થવા માટે કહ્યું હતું. પરંતુ ડોક્ટર ભાવેશ ભાઈએ સલાહ આપી હતી કે તમારી તબિયત સારી છે. ડોક્ટર ભાવેશે શિવા ભાઈને ઘરે જ આરામ કરી દવા લેવાની સલાહ પણ આપી હતી. ત્યાર બાદ ગત 12 મે ના રોજ ICICI કંપનીના કર્મચારી તેજસભાઈ મેડિકલેમ વેરીફિકેશન કરવા માટે ભાવેશભાઈની હોસ્પિટલ આવ્યા હતા અને શિવાભાઈ પરમારના જરૂરી ડોક્યુમેન્ટ તેઓને બતાવ્યા હતા અને ભાવેશભાઈની હોસ્પિટલમાં દાખલ થયા અંગે તથા રજા આપ્યા અંગેનું ફોર્મ બતાવ્યું હતું. આ તમામ ડોક્યુમેન્ટ હોસ્પિટલના લેટરપેડ ઉપર બતાવવામાં આવ્યા હતા. જેમાં દવા તથા સમરી ભરેલ હતી.