કોલકાતાથી બાગડોગરા માટે ઉડાન ભરી રહેલા એરએશિયાના વિમાનમાં યાત્રીઓ સાથે ગેરવર્તનનો મામલો સામે આવ્યો છે. મુસાફરોએ આરોપ લગાવ્યાં હતાં કે પહેલા તો વિમાનને ટેકઓફ કરવામાં મોડું થયું હતું જેથી તેમને ખૂબ જ રાહ જોવી પડી હતી પછી તેમને નીચે ઉતારવા માટે એસીની તીવ્રતા ખૂબ જ વધારવામાં આવી હતી.આ વિમાનમાં IOCના ડિરેક્ટર દીપાંકર પણ હતાં. દીપાંકરના જણાવ્યાનુસાર ફ્લાઈટનો ઉડ્ડયન સમય સવારે 9 કલાકે હતો. પહેલા ફ્લાઈટ અડધો કલાક મોડી પડી હતી. આ પછી ફ્લાઈટ ચાર કલાક મોડી થઈ હતી. જે પછી મુસાફરોને દોઢ કલાક સુધી ખાધા પીધા વગર જ ફ્લાઈટમાં બેસી રહેવું પડ્યું હતું.તેમણે એ પણ જણાવ્યું કે પાયલોટે કોઈ જ કારણ વગર પ્લેનમાંથી નીચે ઉતરવાનું કહ્યું હતું અને વરસાદના કારણે જ્યારે લોકોએ નીચે ઉતરવાની ના પાડી ત્યારે AC એટલું તીવ્ર કર્યું જેથી વિમાનમાં જ ધુમ્મસ જેવું વાતાવરણ છવાઈ ગયું હતું.આ પછી એસીની ઝડપ વધારતાં લોકોનો દમ ઘૂટવા લાગ્યો તેમજ અનેક મહિલાઓ અને બાળકોને ઉલ્ટીઓ થવા લાગી હતી. એરએશિયાએ વિમાન મોડું થવાની વાત સ્વીકારી હતી અને સમગ્ર ઘટના પર અફસોસ જાહેર કર્યો હતો. કંપનીએ આ પછી ઓફિશ્યિલ નિવેદન પણ જાહેર કર્યું હતું