વસંત પંચમીના દિવસે અમદાવાદ સહિત રાજ્યભરમાં મોટા પ્રમાણમાં લગ્ન પ્રસંગ યોજાઇ રહ્યા છે. ત્યારે ફૂલ બજારમાં પણ લગ્નને લઈ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. સામાન્ય દિવસોની સરખામણીએ ફૂલોના ભાવ વસંતપંચમી અને લગ્નની મોસમ હોવાના કારણે ડબલ જોવા મળી રહ્યા છે. વેપારીઓ પ્રમાણે પાછલા 5 વર્ષ દરમિયાન ફૂલોના ભાવ સૌથી ઉંચા જોવા મળી રહ્યા છે.લગ્નની મોસમમાં ફૂલ બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ જમાલપુર ફુલ માર્કેટના વેપારી નયન રામીએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું કે, આ વખતે લગ્નની મોસમમાં ફૂલના ભાવ ઊંચા જોવા મળી રહ્યા છે. પાછલા પાંચ વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ફુલના ભાવ સૌથી વધુ છે. કારણ કે ફૂલોની આવક અપેક્ષા મુજબ થઇ નથી, કેમ કે દેશના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડયો હતો. જેના કારણે ફૂલોના ભાવમાં ખૂબ વધારો થયો છે. લગ્ન પ્રસંગે વિવિધ ડેકોરેશન તથા વરરાજાની ગાડી શણગારવામાં પણ ઈંગ્લીશ ફ્લાવરનો ઉપયોગ થતો હોય છે. આમ તો વરરાજાની ગાડી સાદી રીતે શણગારવા માટે 2500-3000નો ખર્ચ થતો હોય છે, પરંતુ આ વર્ષે 4 થી 5 હજાર સુધીનો ભાવ ચાલી રહ્યો છે.જમાલપુર ફુલ માર્કેટના પ્રેસિડેન્ટ રિઝવાન ભાઈએ જણાવ્યું કે, કોરોનાના કારણે ખેડૂતોએ ફૂલોનો પાક પણ મર્યાદિત લીધો હતો. જેના કારણે પણ ફૂલ બજારમાં ફૂલની આવક ઓછી થઈ છે. જેના કારણે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જોકે લગ્નની મોસમમાં તેમના ધંધા પર તેની અસર નહીંવત જોવા મળી રહી છે. કારણ કે લગ્ન દરમિયાન અલગ-અલગ વિધિ તથા ડેકોરેશનમાં ફૂલોનો ઉપયોગ થતો હોય છે, જેથી ફૂલોનો ઉપાડ સારો રહ્યો છે.