ભગવાન શિવની પૂજામાં બીલીપાનનું વિશેષ મહત્ત્વ છે. આનો ઉલ્લેખ ઘણા ગ્રંથમાં કર્યો છે. શિવમહાપુરાણમાં બીલીપાનનું ખાસ મહત્ત્વ જણાવ્યું છે. બીલીપાન વગર શિવપૂજા અધૂરી છે. શિવની પૂજા માટે બહુ બધી વસ્તુઓ ના હોય અને માત્ર બીલીપાન હોય તો પણ પૂજાનું ફળ મળે છે. પૌરાણિક માન્યતા પ્રમાણે, જ્યારે દેવી પાર્વતીએ ભગવાન શિવને પતિં રૂપે પામવા તપસ્યા અને પૂજા કરી ત્યારે તેમણે સૌથી પહેલાં ભગવાન શિવને બીલીપાન ચઢાવ્યા હતા.
ભગવાન શંકર અને દેવી પાર્વતીને બીલીપાન ચઢાવવાનું વિશેષ મહત્ત્વ છે. મહાદેવ પર બીલીપાન ચઢાવવાથી તેઓ ખુશ થઇ જાય છે આથી તેમને આશુતોષ કહેવાય છે. બીલીપાનનું વૃક્ષ ખૂબ જ પવિત્ર હોય છે. બીલીપાનનું ઝાડ સંપન્નતાનું પ્રતીક અને સમૃદ્ધિ આપનારું છે.બીલીપાન ક્યારેય ચોથ, આઠમ, નોમ, દસમ, ચૌદશ, અમાસ, પૂનમ, સોમવાર અને બપોર પછી ના તોડવા જોઈએ. આનાથી ભગવાન શિવ નારાજ થઇ જાય છે. આથી આ તિથિ પર બીલીપાન ના તોડવા જોઈએ. રવિવારે બીલીપાન તોડીને રાખી લો અને સોમવારે શિવલિંગ પર ચઢાવો.બીલીપાન સ્નાનથી પાપ મુક્તિ પાણીમાં બીલીપાન નાખીને સ્નાન કરવું જોઈએ. આ શિવમય જળથી શારીરિક શુદ્ધિ થાય છે અને અજાણ્યામાં થયેલા પાપનો નાશ થાય છે. ધર્મગ્રંથ અને આયુર્વેદના જાણકારનું કહેવું છે કે, બીલીપાનથી નાહવાથી બીમારી નજીક આવતી નથી અને આયુષ્ય વધે છે.જ્યારે સમુદ્ર મંથનમાંથી વિષ નીકળ્યું ત્યારે શિવજીએ કંઠમાં ધારણ કર્યું. એ પછી દરેક દેવી-દેવતાએ શિવજીને બીલીપાન ખવડાવવાના શરૂ કરી દીધા. કારણકે બીલીપાન વિષની અસર ઓછી કરે છે. બીલીપાન અને જળના પ્રભાવથી ભોલેનાથના શરીરમાં ઉત્પન્ન થયેલી ગરમી શાંત થવા લાગી અને શિવજી પર જળ અને બીલીપાન ચઢાવવાની પ્રથા ચાલુ થઇ.
બીલીપાન ચઢાવતી વખતે આ મંત્ર બોલો
“त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रिधायुतम्।त्रिजन्मपापसंहारं बिल्वपत्रं शिवार्पणम्॥”
અર્થ: ત્રણ ગુણ, ત્રણ નેત્ર, ત્રિશૂળ ધારણ કરનારા અને ત્રણ જન્મના પાપ સંહારનારા છો. હે શિવજી, હું તમને બીલીપાન અર્પણ કરું છું.