આજે વિશ્વ મહિલા દિવસ છે, ત્યારે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, પરંતુ લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતીક સમા ખોડલધામ મંદિરમાં મહિલા દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. ગોંડલ ખોડલધામ મહિલા સમિતિની મહિલાઓએ 35 મણનો લાડુ બનાવ્યો છે, જે મા ખોડલ સમક્ષ ધરવામાં આવ્યો છે. આ માટે મહિલાઓએ ગોંડલમાં પાટીદાર સમાજના ઘરે ઘરે ફરી 1-1 વાટકી ઘઉં અને ઘી એકત્ર કર્યું હતું.
22 મહિલાએ આખો એક દિવસ મહેનત કરી
35 મણનો મહાકાય લાડુ બનાવવા માટે 22 મહિલાએ આખો એક દિવસ મહેનત કરી હતી તેમજ મહિલાઓએ પાટીદાર સમાજના ઘરે ઘરેથી એક-એક વાટકી ઘઉં અને ઘી એકત્ર કરવામાં 21 દિવસનો સમય લાગ્યો હતો. આ મહાકાય લાડુમાં 11 ડબ્બા ઘી, 10 ડબ્બા ગોળ, 7 ડબ્બા તેલ અને 47 કિલો ઘઉંના ભડકાનો વપરાશ કરવામાં આવ્યો છે.આજે મહિલા દિવસે સવારથી જ ખોડલધામમાં મા ખોડિયારનાં દર્શન કરવા માટે મહિલાઓની લાંબી લાઇન લાગી છે તેમજ ખોડલધામ પટાંગણમાં મોટી સંખ્યામાં મહિલાઓ એકત્ર થઇ હતી. મોટા ભાગની મહિલાઓ આજે ગુલાબી સાડીમાં જોવા મળી હતી. 21 મણના લાડુને પ્રસાદ તરીકે ભાવિકોને આપવામાં આવશે. લાડુ પર જય મા ખોડલ લખવામાં આવ્યું છે તેમજ રંગબેરંગી ફૂલથી લાડુને શણગારવામાં આવ્યો છે.જામનગરની મહિલા આશાબેન કાછડિયાએ જણાવ્યું હતું કે આજે મહિલા દિવસે મહિલાઓને અગ્રતા આપવામાં આવી છે. ખોડલધામના નેજા હેઠળ આ અગ્રતા આપવામાં આવી છે. ખોડલધામ એકતાનું પ્રતીક કહેવાય, જ્યાં બહેનોને આટલું સરસ મહત્ત્વ આપવામાં આવ્યું. અમે બહેનો દ્વારા જ આયોજન કર્યું છે. આજે 11 ધ્વજારોહણનું આયોજન છે, એ જામનગર ખોડલધામ મહિલા સમિત દ્વારા કરવામાં આવ્યું છે. બહેનો ધારે એ કરી શકે એટલી શક્તિ રહેલી છે. 21 મણના લાડુનું આયોજન ગોંડલ ખોડલધામ મહિલા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે.ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પણ મા ખોડલનાં દર્શન કરવા આવી પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સમાજની બહેનો મા ખોડલનાં વધામણાં કરવા આવી છે ત્યારે દરેક સમાજની બહેનોને સ્ત્રી સશક્તીકરણની વાત ચાલે છે એ દરેક બહેનોને મા ખોડલ ખૂબ આગળ વધારે અને તેમના દરેક સપના પૂરા કરે એવી પ્રાર્થના કરુ છું. આજે 11 ધ્વજારોહણ કરવામાં આવશે. ગોંડલની બહેનોએ 35 મણનો લાડુ મા ખોડલને ધર્યો છે. ત્યારે આ કાર્યને બિરદાવું છું. આની પાછળ મહેનત હોય છે, પરંતુ મા ખોડલ પાછળની એક લાગણી અને ભાવના હોય છે. મા ખોડલ આ બહેનોને ખૂબ જ આનંદમાં રાખે.