સ્કૂલમાં કોરોનાની એન્ટ્રી: ઝેવિયર્સનો ધો.2નો વિદ્યાર્થી સંક્રમિત
સ્કૂલ દ્વારા વર્ગખંડને સેનિટાઈઝ કરવામાં આવ્યો: અન્ય વિદ્યાર્થીઓને લક્ષણો જણાય તો ટેસ્ટ કરાવવાની સલાહ
શહેરની સ્કૂલમાં ફરી કોરોનાની એન્ટ્રી થઈ હોવાની ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી છે. મેમનગર ખાતે આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલમાં ધોરણ-2માં અભ્યાસ કરતો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો છે. આ અંગે વિદ્યાર્થીની માતાએ મંગળવારે સ્કૂલમાં આવીને જાણ કરતા જે વર્ગમાં વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો તે ક્લાસ વહેલો છોડી દેવાયો હતો. ત્યારબાદ વર્ગને સેનિટાઈઝ સહિતની કાર્યવાહી કરાઈ છે. વિદ્યાર્થી છેલ્લા પાંચેક દિવસ પહેલા સ્કૂલમાં આવ્યો હતો. તેમ છતાં સ્કૂલ દ્વારા અન્ય કોઈ વિદ્યાર્થીઓને લક્ષણો જણાય તેમને ટેસ્ટ કરાવવા માટેની સૂચના આપવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કોરોનાની ત્રીજી લહેરમાં ખૂબ જ મોટી સંખ્યામાં કેસ નોંધાયા હતા. તેમાં પણ ખાસ કરીને સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ખૂબ જ વધુ હતી. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલી અનેક સ્કૂલોના વિદ્યાર્થીઓ ત્રીજી લહેરમાં કોરોના સંક્રમિત થયા હતા. જોકે, ત્રીજી લહેર પૂર્ણ થયા બાદ જનજીવન સામાન્ય થયું હતું અને સ્કૂલો પણ રાબેતા મુજબ શરૂ થઈ હતી. હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસો કાબુમાં હોઈ લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે.
જોકે, આ દરમિયાન અમદાવાદની સ્કૂલમાં ધોરણ-2માં અભ્યાસ કરતો 6 વર્ષનો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવતા દોડધામ મચી ગઈ છે. મેમનગર ખાતે આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલમાં ધોરણ-2માં અભ્યાસ કરતો વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો છે. સ્કૂલ દ્વારા કોરોના સંક્રમણનો કેસ નોંધાતા વર્ગમાં સાથે અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓને પણ તકેદારીના ભાગરૂપે લક્ષણ જણાય તો કોરોનાના ટેસ્ટ કરાવી લેવાની સલાહ અપાઈ હતી. સ્કૂલના જે વિદ્યાર્થીને કોરોના થયો છે તે વિદ્યાર્થી નિયમિત ન હોવાનું સામે આવ્યું છે અને છેલ્લે પાંચેક દિવસ પહેલા સ્કૂલે આવ્યા બાદ તે સ્કૂલે આવ્યો ન હતો. તેમ છતાં સ્કૂલ દ્વારા તમામ વિદ્યાર્થીઓને લક્ષણ જણાય તો ટેસ્ટ કરવા માટેની સૂચના આપી છે. ઉપરાંત જે વિદ્યાર્થીઓને શરદી, ખાંસી કે તાવ આવતો હોય તેમને સ્કૂલે ન આવવા માટે પણ સલાહ આપવામાં આવી છે.
નોંધનીય છે કે, સ્કૂલમાં 18 એપ્રિલથી વાર્ષિક પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે હાલમાં જો વિદ્યાર્થી સ્કૂલે આવવા ન માગતા હોય તો પણ તેમના અભ્યાસ પણ અસર થાય તેમ નથી. જેથી જે વિદ્યાર્થીઓ પરીક્ષા સુધી સ્કૂલે આવવા માગતા હોય તેઓ આવી શકે છે. આગામી સપ્તાહથી સ્કૂલમાં વાર્ષિક પરીક્ષાઓનો પ્રારંભ થવાનો છે ત્યારે તમામ વિદ્યાર્થીઓએ સ્કૂલમાં આવીને જ પરીક્ષા આપવાની રહેશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. આમ, ત્રીજી લહેર બાદ ફરી સ્કૂલમાં કોરોના સંક્રમણનો કેસ આવતા આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી.
તેના વર્ગના વિદ્યાર્થીઓને લક્ષણ જણાય તો ટેસ્ટ કરાવવાની સૂચના આપી છે
વિદ્યાર્થી છેલ્લા 10 દિવસથી સ્કૂલે નિયમિત આવતો ન હતો, તેને તાવ પણ આવતો હતો, તેની માતાએ સ્કૂલે આવીને કોરોના સંક્રમણ થયું હોવાની જાણ કરતા વિદ્યાર્થી જે વર્ગમાં ભણતો હતો તે વર્ગના વિદ્યાર્થીઓને લક્ષણ જણાય તો ટેસ્ટ કરાવવા માટે સૂચના આપી છે. ઉપરાંત વિદ્યાર્થીની તબીયત સારી ન હોય તો સ્કૂલે ન મોકલવા માટે પણ કહ્યું છે. સ્કૂલની 18મીથી શરૂ થતી પરીક્ષા રાબેતા મુજબ જ લેવાશે. ગુરૂવાર અને શુક્રવારના રોજ રજા છે અને શનિવારે સ્ટડી હોલીડે આપી દેવાશે. જેથી આ સમગ્ર સપ્તાહ દરમિયાન વિદ્યાર્થીઓ પરીક્ષાની સારી રીતે તૈયારી કરી શકશે.- ફા. અમલરાજ (પ્રિન્સિપાલ, સેન્ટ ઝેવિયર્સ-લોયલા)