દુકાનો પર અન્ન વિતરણ યોજના લાભાર્થી ધન્યવાદ સંમેલનના પોસ્ટર લગાવાશે
રાજ્યમાં મોંઘવારીથી પ્રજા ત્રસ્ત થઇ રહી છે ત્યારે રેશનિંગના અનાજનું પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ નિ:શુલ્ક થઇ રહ્યું છે તેના કારણે જરૂરિયાતમંદ પરિવારોને ફાયદો થઇ રહ્યો હોવાનો માહોલ ભાજપ દ્વારા ઉભો કરવામાં આવશે. આ યોજના કોરોનાકાળથી ચાલી રહી છે. જો કે ચૂંટણીના વર્ષમાં અને હાલ મોંઘવારી તેમજ પેટ્રોલ-ડીઝલના ભાવથી જનતા ત્રસ્ત છે ત્યારે આ યોજના હેઠળ લોકોને જે રાહત થઇ રહી છે તે ભાજપ દ્વારા ઉજાગર કરાશે. આ માટે પહેલા રેશનિંગ કાર્ડ ધારકોને ૧૬ એપ્રિલથી અનાજનું વિતરણ થવાનું હતું તે હવે ૧૩ એપ્રિલથી કરવામાં આવશે.
આ માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત અન્ન વિતરણ યોજના લાભાર્થી ધન્યવાદ સંમેલન અને રેશનિંગની દુકાનના ગ્રાહકોની વિગત લખી હોય તેવું પોસ્ટર તૈયાર કરવામાં આવ્યું છે. જે દુકાનની બહાર લગાવવામાં આવશે. રેશનિંગના દુકાનદારોને પણ આ કાર્યક્રમમાં સહયોગ આપવા માટે કહેવામાં આવ્યું છે. રેશનિંગની દુકાનો તરફથી અનાજનું વિતરણ પહેલી તારીખથી જ શરૂ કરવા માટે પુરવઠા વિભાગને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરફથી રજૂઆત થતી હોય છે. જે મોટાભાગે જળવાતી નથી. ઘણી વખત પ્રધાનમંત્રી યોજના અને રાજ્યના નિયત રાહત દરના રેશનિંગ અનાજ વિતરણ માટે બે-બે વખત પણ દુકાન પર ગ્રાહકને જવું પડતું હોય છે.
જો કે ભાજપના કાર્યક્રમ માટે તાબડતોબ વ્યવસ્થા ગોઠવાઇ છે. જેમાં જે તે વોર્ડમાં કાર્યક્રમના ભાજપના ઇનચાર્જ અને ટીમના સભ્યો દુકાનદાર સાથે જઇને ચર્ચા કરશે. તે પછી દુકાન ઉપર અનાજ લેવા આવનારા ગ્રાહકો સાથે પીએમ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અનાજ વિતરણની યોજના અંગે હકારાત્મક સંવાદ કરીને તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં ભાજપના કાર્યકરોએ મૂકવાનો રહેશે. સોશિયલ મીડિયા ઉપર નોંધપાત્ર રીતે પ્રચાર કરવા સાથે પ્રદેશ કક્ષાએ પણ કાર્યાલયમાં કાર્યક્રમનો અહેવાલ પણ મોકલવા માટે ભાજપના પદાધિકારીઓને સૂચના આપવામાં આવી છે. રેશનિંગના અનાજ વિતરણનો લાભ લેનારા લાભાર્થીઓ પાસે કોરોનાકાળના મુશ્કેલ સમયમાં મફત રાશન આપવામાં આવ્યું તેની ચર્ચા કરીને સમગ્ર યોજનાનો લાભ મળ્યો તે અંગે પણ ચર્ચા કરવા સૂચના અપાઇ છે.