કોરોનાને કારણે બે વર્ષ સુધી ઘરોમાં કેદ રહ્યા બાદ, લોકો આ ઉનાળામાં મોટાપાયે પ્રવાસ પર નીકળી રહ્યા છે. દેશના મુખ્ય પ્રવાસન સ્થળો જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્થળોએ પણ ભારતીયોની ભીડ જોવા મળી છે. પ્રવાસીઓના કારણે, દિલ્હી-શ્રીનગર હવાઈ માર્ગ એપ્રિલમાં દેશનો ત્રીજો સૌથી વ્યસ્ત હવાઈ માર્ગ બન્યો છે. જે સામાન્ય રીતે ટોપ-10માં પણ નથી. સાથે જ થાઈલેન્ડની મુલાકાતે આવનારા પ્રવાસીઓમાં પણ ભારતીયોની સંખ્યા સૌથી વધુ છે એવિએશન રેગ્યુલેટર ડીજીસીએ પાસેથી મળેલી માહિતી અનુસાર એપ્રિલમાં દિલ્હી અને શ્રીનગર વચ્ચે 2.74 લાખ મુસાફરોએ હવાઈ મુસાફરી કરી હતી. આ દિલ્હી-મુંબઈ અને દિલ્હી-બેંગલુરુ સિવાયના કોઈપણ અન્ય રૂટ કરતાં વધુ છે. એટલું જ નહીં, બે વધુ પ્રવાસન સ્થળો દિલ્હી-ગોવા અને મુંબઈ-ગોવા પણ ટોપ-10 હવાઈ માર્ગોમાં સામેલ થઈ ગયા છે. દિલ્હી-શ્રીનગર અને દિલ્હી-ગોવા રૂટ્સે બેંગ્લોર-હૈદરાબાદ અને દિલ્હી-અમદાવાદ રૂટને ટોપ-10માંથી બહાર કર્યા છે.દેશના સૌથી મોટા ટ્રાવેલ પોર્ટલ મેકમાયટ્રિપના પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે, દિલ્હીથી શ્રીનગરનું સર્ચિંગ મુંબઈ-બેંગ્લુરૂ જેવા બિઝનેસ ટ્રાફિક ધરાવતા રૂટ કરતાં પણ વધ્યા છે. દેશના ટોચના શહેરોમાંથી શ્રીનગરની ફ્લાઈટ સર્ચિંગ ઉપરાંત શ્રીનગરમાં હોટલ, હોમ સ્ટેના બુકિંગમાં પણ વધારો જોવા મળ્યો છે.શ્રીનગરમાં હોમ સ્ટે બુકિંગ પ્રિ-કોવિડ કરતાં ચાર ગણા વધ્યા છે. જમ્મુ-કાશ્મીર સરકારના ડેટા અનુસાર, 2022ના પ્રથમ ચાર મહિનામાં કાશ્મીર ખીણમાં રેકોર્ડ 6.05 લાખ પ્રવાસીઓ આવ્યા હતા, જે ગયા વર્ષના સમાનગાળા દરમિયાન 1.30 લાખના આંકડા કરતાં પાંચ ગણા વધુ છે.આ વર્ષે 1 જાન્યુઆરીથી 26 જૂન સુધીમાં લગભગ 20 લાખ પ્રવાસીઓએ થાઈલેન્ડની મુલાકાત લીધી હતી. જેમાં સૌથી વધુ સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ રહ્યા હતા. થાઈલેન્ડના સત્તાવાર પ્રવક્તા ટ્રાઈસુરી ટાઈસરંકુલે જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન ભારતમાંથી આવનારા પ્રવાસીઓની સંખ્યા 2 લાખ 21 હજારથી વધુ હતી. દક્ષિણપૂર્વ એશિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા થાઈલેન્ડનો પ્રવાસન ઉદ્યોગ કોવિડ દરમિયાન લગભગ સ્થગિત થઈ ગયો હતો, પરંતુ હવે તે ઝડપથી આગળ વધી રહ્યો છે અને ભારતીય પ્રવાસીઓનું મોટું યોગદાન છે. ભારતના વધતા જતા મધ્યમ વર્ગ માટે થાઈલેન્ડ સસ્તું વિદેશી પ્રવાસન સ્થળ રહ્યું છે.
દિલ્હી-શ્રીનગર ત્રીજો સૌથી વ્યસ્ત હવાઈ માર્ગ, થાઈલેન્ડમાં ભારતીય ટુરિસ્ટની સંખ્યા વધુ
Date: