કટ્ટરપંથી સંગઠનો દ્વારા યુવાનોના બ્રેનવોશ સામે ભાજપ મોરચો માંડશે

0
5
ભાજપની રાષ્ટ્રીય કારોબારીની 2 દિવસની બેઠક શનિવારે હૈદરાબાદમાં શરૂ થઇ
ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં મહત્ત્વનો નિર્ણય

હૈદરાબાદ : ભાજપની રાષ્ટ્રીય કારોબારીની 2 દિવસની બેઠક શનિવારે હૈદરાબાદમાં શરૂ થઇ, જેમાં ઉદયપુર જેવી ઘટનાઓથી દેશમાં સર્જાયેલી સંવેદનશીલ સ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા થઇ. એવું નક્કી કરાયું કે દેશમાં જ્યાં પણ કટ્ટરપંથી સંગઠનો-સંસ્થાઓ દ્વારા યુવાનોના બ્રેનવોશની ઘટનાઓ સામે આવી રહી છે ત્યાં ભાજપ આક્રમક વલણ અપનાવશે. ઉદયપુરના હત્યાકાંડને આતંકી ઘટના ગણાવી કહેવાયું કે ભાજપ બેકફૂટ પર નહીં રહે.રાજસ્થાન, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, તેલંગાણા, કર્ણાટક અને કેરળમાં છેલ્લા કેટલાક વર્ષોમાં કટ્ટરવાદને ઉત્તેજન મળ્યું હોવાથી આ રાજ્યોમાં સાંપ્રદાયિક ઘટનાઓ રોકવા ખાસ રણનીતિ ઘડવાની જરૂર છે. બેઠકમાં કટ્ટરવાદ મુદ્દે 6 કલાક ચર્ચા થઇ. જોકે, બાદમાં ભાજપનાં ઉપાધ્યક્ષ વસુંધરા રાજે સિંધિયાએ જણાવ્યું કે દેશની રાજકીય અને આર્થિક સ્થિતિ ચર્ચાના વિષય હતા.સામાજિક વિષયો અંગે પણ ચર્ચા થઇ છે. બીજી તરફ સૂત્રોનું કહેવું છે કે નૂપુર શર્માની બયાનબાજી અંગે સુપ્રીમકોર્ટે જે પ્રકારે ટિપ્પણી કરી છે તે અંગે બેઠકમાં ચર્ચા નથી થઇ પણ નૂપુરની ટિપ્પણીના સમર્થન બદલ ઉદયપુરમાં થયેલી ઘાતકી હત્યા અંગે ચિંતા વ્યક્ત કરાઇ. બેઠકમાં નક્કી કરાયું કે પક્ષના હોદ્દેદારોના માધ્યમથી કાર્યકરોને એવો મેસેજ અપાશે કે અદાલતની ટિપ્પણીથી બેકફૂટ પર જવાની જરૂર નથી, કેમ કે નૂપુરને પક્ષે સસ્પેન્ડ કરી દીધી છે. પક્ષ કોઇ પણ ધર્મ વિરુદ્ધની વાંધાજનક ટિપ્પણીઓને વખોડે છે.ભાજપ કટ્ટર સંગઠનો સામે કાનૂની લડાઇ પણ લડશે, 20 કરોડ ઘરમાં તિરંગો લહેરાવાશે| કટ્ટરવાદને ઉત્તેજન આપતા સંગઠનો સામે ભાજપ કાનૂની લડાઇ પણ લડશે. ચર્ચા દરમિયાન સામે આવ્યું કે કેટલાક કટ્ટરવાદી સંગઠનો બહુમતીઓ વિરુદ્ધ તથ્યોને તોડી-મરોડીને રજૂ કરે છે. ભાજપ તેમની સામે કાનૂની લડાઇ લડશે.કાર્યકરોને મેસેજ અપાશે કે કોઇ ધર્મ કે ધાર્મિક હસ્તી વિરુદ્ધ બોલ્યા વિના કટ્ટરતા ફેલાવતા સંગઠનોનો મુકાબલો કરવાનો છે. તમામ ધર્મોના લોકોને રાષ્ટ્રીય વિચાર તરફ લાવવાના હેતુથી 20 કરોડ ઘરમાં તિરંગો લહેરાવાશે. શૈક્ષણિક સંસ્થાઓમાં રાષ્ટ્રગીત અને રાષ્ટ્રીય ગીત અનિવાર્ય કરાશે, ભલે સંસ્થા ગમે તે ધર્મ સાથે જોડાયેલી હોય.