ચેતી જજો : ખાવાના શોખીન ગુજરાતીઓ વર્ષે 28 કિલો તેલ ખાય જાય છે; દેશની સરેરાશ કરતાં બમણું, ગુજ્જુઓના શરીર બન્યા રોગોના ઘર

0
26
દેશનાં અન્ય રાજ્યોમાં સરેરાશ વર્ષે 16 કિલો તેલનો વપરાશ
ડૉક્ટર્સની ચેતવણી: બહારનું તેમજ વધુ તળેલું ખાવું જોખમી

ગુજરાતીઓનો ખાણી-પીણીનો શોખ જગજાહેર છે, પણ આ વાત આપણા સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ રહી છે. દેશમાં વ્યક્તિદીઠ વાર્ષિક સરેરાશ 16-17 કિલો તેલનો વપરાશ છે. એની સામે ગુજરાતમાં વ્યક્તિદીઠ બમણું, એટલે કે 25-28 કિલો તેલ ખવાય છે. આ અંગે દિવ્ય ભાસ્કરે ડોક્ટર્સ સાથે વાત કરતાં તેમણે અભિપ્રાય આપ્યો છે કે ખાદ્યતેલના અતિરેક વપરાશને કારણે ગુજરાતના લોકોનાં શરીર નાની ઉંમરમાં બીમારીનું ઘર બની રહ્યાં છે. ડોક્ટર્સના કહેવા પ્રમાણે, 25-30 વર્ષના યુવાનોમાં પણ કોલેસ્ટેરોલ, બ્લડપ્રેશર જેવી બીમારીઓ જોવા મળી રહી છે. અગાઉ આવી બીમારીઓની શરૂઆત 45-50 વર્ષની ઉંમરે થતી હતી.સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના આંકડા પ્રમાણે, ભારતમાં વાર્ષિક 220 લાખ ટન ખાદ્યતેલનો વપરાશ છે, એમાંથી ગુજરાતમાં 16 લાખ ટન ખાદ્યતેલની ખપત છે. આ આંકડાને કિલોમાં ગણીએ તો ગુજરાતની જનતા વાર્ષિક 160 કરોડ કિલો તેલ ખાઈ જાય છે. રાજ્યમાં વ્યક્તિદીઠ તેલનો વપરાશ 25-28 કિલો છે, જે દેશમાં સૌથી વધુ છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, પંજાબ, દિલ્હી, રાજસ્થાન જેવાં રાજ્યોમાં વ્યક્તિદીઠ વપરાશ 21-22 કિલો જેટલું છે, જ્યારે દક્ષિણ ભારતમાં વપરાશ 15 કિલોથી પણ ઓછો છે.રાજકોટની આસ્થા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડો. રવીન્દ્ર પરમારે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે તેલ એ શરીર માટે જરૂરી છે અને આદર્શ રીતે વ્યક્તિદીઠ મહિને 1 કિલો તેલ, એટલે કે વર્ષે 12 કે વધારેમાં વધારે 13 કિલો તેલ ખાવું જોઈએ. એની સામે તેમનો વપરાશ બમણા જેટલો ,. તેમાં પણ ગુજરાતમાં કપાસિયા તેલ જેવા હાઇ ફેટ ધરાવતા તેલનો વપરાશ વધારે છે. આ ઉપરાંત આપણે વધારેપડતું તેલ ખાઈએ છીએ. એને કારણે લોહીમાં ખરાબ કોલેસ્ટેરોલનું પ્રમાણ વધે છે. આને પરિણામે હૃદયમાં બ્લૉકેજ થાય છે. આ સિવાય બહારનું ખાવામાં પામોલિન તેલનો ઉપયોગ વધારે થાય છે, જેનો વારંવાર ઉપયોગ થાય છે. આ પ્રકારનાં તેલ ખાવાથી કેન્સર થવાના ચાન્સીસ વધે છે.કાર્ડિયો યુનો પ્લસ કાર્ડિયાક રિહેબિલિટેશન એન્ડ પ્રિવેન્શન સેન્ટરના ડિરેક્ટર કાર્ડિયોલોજિસ્ટ ડો. શૈલેષ દેસાઇએ જણાવ્યું હતું કે કોઈ તેલને ઊંચા તાપમાનમાં ગરમ કરવાથી એમાં રહેલું ફેટ ઓક્સિડાઈઝ થાય છે, એનાથી શરીરને નુકસાન થાય છે. આને કારણે શરીરમાં બેડ કોલેસ્ટેરોલ વધે છે અને નુકસાન થાય છે. તૈયાર તળેલા નાસ્તામાં આનું પ્રમાણ વધારે હોય છે. જોકે શરીરના ફંક્શનિંગ માટે તેલ જરૂરી છે. અન્ય તેલની સરખામણીએ સીંગતેલ વધુ સારું છે. એને પણ વારંવાર ગરમ કરવું હાનિકારક છે. બીજું એ છે કે ગુજરાતીઓ તળેલું ખાવાના મામલે ઘણા આગળ છે, પણ કસરત કરવાની વાત આવે તો એમાં ઘણા પાછળ છે.ડો. શૈલેષ દેસાઇ જણાવે છે, બે તેલને મિક્સ કરીને અથવા તો એક મહિનો સીંગતેલ તો બીજા મહિને સનફ્લાવર તેલ ખાવું એ રીતે સમયાંતરે તેલ બદલીને ખાવું જોઈએ. તેલ તેમજ લાઇફસ્ટાઇલમાં બદલાવ આવવાને કારણે યંગ જનરેશનમાં પણ હૃદય સંબંધિત બીમારીઓ જોવા મળે છે. ફાસ્ટફૂડ અને જન્ક ફૂડને કારણે હવે તો રૂરલ એરિયામાં પણ લાઇફસ્ટાઇલ સંબંધિત બીમારીઓ જોવા મળી રહી છે. પહેલા શારીરિક શ્રમ વધુ રહેતો હતો, પણ હવે લોકો તીખું-તળેલું ખાય છે ,પણ સામે કસરત કે બીજો કોઈ શ્રમ કરતા નથી, જે ચિંતાની બાબત છે.સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિયેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બી. વી. મહેતાએ જણાવ્યું હતું કે ગુજરાતીઓની ફૂડ હેબિટ અલગ છે. અહીંના લોકો સવારના નાસ્તાથી લઈને જમવામાં પણ તળેલું વધારે ખાય છે. આ ઉપરાંત જે રાજ્યોમાં એફોર્ડેબિલિટીનું પ્રમાણ ઊંચું છે એવાં રાજ્યોમાં પણ તેલનું કન્ઝમ્પ્શન વધારે છે.એનેના કારણે ગુજરાતનું પર કેપિટા કન્ઝમ્પ્શન ઘણું ઊંચું છે. ભારતમાં તેલનો વપરાશ વાર્ષિક ધોરણે 2.5%ના દરે વધી રહ્યો છે. ખાદ્યતેલની જરૂરિયાત પૂરી કરવા માટે આપણે દર વર્ષે 130 લાખ ટનથી વધુ તેલ આયાત કરીએ છીએ.