રાજકોટ : ભાજપને ગમે તે ભોગે આગામી વિધાનસભા ચૂંટણીમાં 150+ બેઠકો અંકે કરવી જ છે. આ માટેની આગવી રણનીતિના ભાગરૂપે સીઆર પાટીલ ઉપરાંત મોવડીમંડળે પણ કમાન સંભાળી લીધી છે. પર્ફોર્મન્સના આધારે નિર્ણયો લેવાના શરૂ પણ થઈ ગયા છે. તાજેતરમાં જ બે મંત્રીએ ઘરે બેસવાનો વારો આવ્યો. બીજી તરફ, એક વર્ષથી વનવાસ ભોગવી રહેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સીધા કોર કમિટીમાં સામેલ કરાયા છે. સંગઠનમાં મજબૂત પકડ ધરાવતા રૂપાણી ફરી સૌરાષ્ટ્રની કમાન સંભાળશે. આવામાં પોતાના રાજકીય ગુરુ વજુભાઈ વાળાના માર્ગદર્શનમાં રૂપાણી અને આર.સી. ફળદુ ફરી સૌરાષ્ટ્ર ખૂંદશે અને ટિકિટનું ગણિત બેસાડશે.ગુજરાતમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની રચના વખતે ઘણા જૂના મંત્રીઓ નારાજ થયા હતા. કેટલાક સિનિયર મંત્રીઓ, જેમનું અલગ-અલગ જ્ઞાતિઓ પર પણ પ્રભુત્વ હતું, તેમણે નારાજગી વ્યક્ત પણ કરી હતી. આ સંજોગોમાં અલગ-અલગ નેતાઓને બદલે ભાજપના હાઇકમાન્ડે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ કામ સોંપી દીધું હતું. રૂપાણીએ પણ નારાજ મંત્રીઓની રજૂઆતો શાંતિથી સાંભળી તેમનો રોષ ઠારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.ગુજરાતમાં એકાએક મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામું લઈ લેવામાં આવ્યા બાદ ભારે હડકંપ મચી ગયો હતો. એમાં પણ નાયબ મુખ્યમંત્રી સહિતના સિનિયર પાટીદાર ધારાસભ્યો અને મંત્રીઓને પડતા મૂકીને પહેલી ટર્મમાં જ ચૂંટાયેલા ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવી દેવાતાં પક્ષમાં કચવાટ શરૂ થઈ ગયો હતો. ખાસ કરીને નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, સૌરભ પટેલ, પ્રદીપસિંહ જાડેજા, કૌશિક પટેલ તેમજ ગણપત વસાવા જેવા સિનિયર મંત્રીઓને રાતોરાત ઘરભેગા કરતાં ભાજપમાં એક સમયે જૂથવાદની સાથે આંતરિક મતભેદો સપાટી પર આવી જતાં મંત્રીઓની શપથવિધિ એક વખત મોકૂફ રાખવી પડી હતી.