અમદાવાદ : ગુજરાતમાં ATSની સાથે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે એક સંયુક્ત ઓપરેશનમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ લઈ જઈ રહેલા પાકિસ્તાની દાણચોરોની ગેંગને પકડી છે. આ દાણચોરો અલ સાકાર નામની બોટથી ભારતમાં ડ્રગ્સ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પોલીસે તેમની પાસેથી 50 કિલો હેરોઈન જપ્ત કર્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 350 કરોડ જણાવવામાં આવી રહી છે. બોટમાં કુલ 6 ક્રૂ મેમ્બર હતા. પોલીસ દ્વારા તેઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા (IMBL)નજીક કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ATS અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડને સુત્રો પાસેથી માહિતી મળી હતી કે, પાકિસ્તાન તરફથી એક બોટમાં ડ્રગ્સનો જંગી જથ્થો ભારતમાં લાવવામાં આવી રહ્યો છે. આ અંગે સંયુક્ત ઓપરેશનનું આયોજન કરીને બંને સંસ્થાઓના કર્મચારીઓએ કાર્યવાહી કરી તેમને પકડી પાડ્યા હતા. બોટને વધુ તપાસ માટે જખૌ ખાતે લઈ જવામાં આવી છે. આ બોટને અરબી સમુદ્ર થઈને ભારત લાવવામાં આવી રહી હતી. જણાવી દઈએ કે, ATS અને આઈસીજીએ છેલ્લા એક વર્ષમાં 6 વખત આવી કાર્યવાહીને અંજામ આપ્યો છે. આ અગાઉ પણ આઈસીજી અને ATSને 13 સપ્ટેમ્બરના રોજ સૂત્રો દ્વારા માહિતી મળી હતી કે, પાકિસ્તાન તરફથી એક બોટ ભારત તરફ આવી રહી છે. ત્યારબાદ તેમણે સંયુક્ત રૂપે કાર્યવાહી કરીને બે બોટોને દેખરેખ માટે મોકલી હતી. જ્યારે બોટ નજર આવી તો તેમણે તેને રોકવા માટે સંકેત આપ્યો અને થોડી જ વારમાં બોટને કબજામાં લેવામાં આવી હતી. તેમાંથી 40 કિલો હેરોઈન જપ્ત કરી લેવામાં આવી હતી. તેની કિંમત આતંરરાષ્ટ્રીય બજારમાં 200 કરોડ રૂપિયા જણાવામાં આવી હતી. આ બોટને પણ આગળની તપાસ માટે જખૌ લઈ જવામાં આવી હતી.