– સરહદની સુરક્ષા પર ચર્ચા થયાના અહેવાલ
– ભારત તેના વર્ષો જુના મિત્ર દેશ ભુતાનને વિકાસમાં દરેક મદદ કરતું રહેશે : રાષ્ટ્રપતિ મુર્મૂ
દોકલામ અંગે વિવાધિત નિવેદનો આપીને ચીનની તરફેણ કરનારા ભુતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક ભારતની મુલાકાતે છે. તેઓએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ અને વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ભારત અને ભુતાનના સંબંધોને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સરહદના વિવાદની પણ ચર્ચા થઇ હોવાના અહેવાલો છે.
આ મુલાકાત અંગે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે અમારી બન્ને વચ્ચેની મુલાકાત દરમિયાન સકાત્મક દિશામાં બન્ને દેશોને લઇ જવા અંગે વાતચીત થઇ હતી. આ દરમિયાન તેમણે ભુતાનના રાજા માટે ભુતાનમાં જે દ્રૂક ગ્યાલપો સન્માનનો ઉપયોગ થાય છે તેનો પણ ઉલ્લેખ ટ્વીટમાં કર્યો હતો.
જ્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું હતું કે ભારત પોતાના ઘનિષ્ઠ મિત્ર અને પાડોશી દેશ ભુતાનને મજબુતીથી સમર્થન આપશે. સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે ભુતાન પ્રગતિની દિશામાં આગળ વધી રહ્યો છે અને ભારત તેને સાથ આપી રહ્યું છે. ભારતે માન્યું છે કે ભુતાનના રાજાની મુલાકાતથી બન્ને દેશોના સંબંધો વધુ મજબુત બની રહ્યા છે. જોકે દોકલામ વિવાદ ભારત અને ભુતાનનો જ છે અને ચીનને તેમાં બોલવાનો કોઇ જ અધિકાર નથી તેમ છતા તેણે ચીનને વચ્ચે લાવીને રાખ્યું છે.
આ વિવાદ અંગે શું હાલ ભુતાનના રાજા સાથે ચર્ચા થઇ હતી કે કેમ તેવા સવાલના જવાબમાં વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ કહ્યું હતું કે ભારત અને ભુતાન સુરક્ષાના દરેક મુદ્દા પર એકબીજાની સાથે બહુ જ નજીકથી સંપર્કમાં છે. નોંધનીય છે કે ચીન હાલ ભુતાન પર દોકલામ મુદ્દે દબાણ વધારી રહ્યું છે. એવામાં ભુતાનના રાજાની ભારત મુલાકાતથી ચીનને પણ એક રીતે ભુતાને એક સંદેશો આપવાનો પ્રયાસ કર્યો હોવાના અહેવાલો છે