ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેન્ચ આ મામલે સુનાવણી કરી શકે છે
રાષ્ટ્રીય રાજધાનીમાં સેવાઓ પર નિયંત્રણ સંબંધિત કેન્દ્રના વટહુકમની બંધારણીય માન્યતાને પડકારતી દિલ્હી સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટ સોમવારે સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેન્ચ આ મામલે સુનાવણી કરી શકે છે.
વરિષ્ઠ વકીલ મનુ સિંઘવીએ આપી માહિતી
વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ આ બાબતનો ઉલ્લેખ કર્યો અને તાત્કાલિક સુનાવણીની વિનંતી કરી હતી. દિલ્હી સરકારે અરજીમાં જણાવ્યું હતું કે વટહુકમ એક ‘કાર્યકારી આદેશનો ગેરબંધારણીય ઉપયોગ’ છે, જે સર્વોચ્ચ અદાલત અને બંધારણના મૂળભૂત માળખાનું ‘ઉલ્લંઘન’ કરવાનો પ્રયાસ કરે છે.
કેન્દ્રનો વટહુકમ શું કહે છે
દિલ્હી સરકારે પણ આના પર વચગાળાના સ્ટેની વિનંતી કરી છે. કેન્દ્ર સરકારે 19 મેના રોજ દિલ્હીમાં ‘ગ્રુપ-એ’ અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ માટે એક ઓથોરિટી સ્થાપવાના ઉદ્દેશ્ય સાથે ‘ગવર્નમેન્ટ ઑફ નેશનલ કેપિટલ ટેરિટરી ઑફ દિલ્હી (સુધારા) વટહુકમ, 2023’ બહાર પાડ્યો હતો. વટહુકમ બહાર પાડવાના એક અઠવાડિયા પહેલા જ દેશની સર્વોચ્ચ અદાલતે પોલીસ, કાયદો અને વ્યવસ્થા અને જમીન સિવાયની અન્ય તમામ સેવાઓનું નિયંત્રણ દિલ્હી સરકારને સોંપી દીધું હતું.