ભારે વરસાદ અને ભૂસ્ખલનથી વેરાયો વિનાશ, 34નાં મોત, દિલ્હીથી શિમલા સુધીના માર્ગો બેટમાં ફેરવાયા

0
8

સૌથી વધુ 11 મોત હિમાચલમાં, આ સિવાય યુપીમાં 8, ઉત્તરાખંડમાં 6, દિલ્હીમાં 3, જમ્મુ-કાશ્મીર, હરિયાણા અને પંજાબમાં બે-બેના મોત થયા

દિલ્હીમાં 41 વર્ષ બાદ જુલાઈમાં માત્ર 33 કલાકમાં 259 મીમી વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે ઉત્તર રેલવેએ ઘણી ટ્રેનો રદ કરી

ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. હિમાચલ પ્રદેશ સહિતના પહાડી રાજ્યોને સૌથી વધુ નુકસાન થયું છે. છેલ્લા 24 કલાકમાં મુશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન, આભ ફાટવા, મકાન ધરાશાયી થવા, વૃક્ષો પડવા અને વીજળી પડવા જેવી ઘટનાઓથી 34 લોકોના મોત થઈ ચૂક્યા છે. સૌથી વધુ 11 મોત હિમાચલમાં થયા છે. 

ક્યાં કેટલાં લોકો મૃત્યુ પામ્યાં 

આ સિવાય યુપીમાં 8, ઉત્તરાખંડમાં 6, દિલ્હીમાં 3, જમ્મુ-કાશ્મીર, હરિયાણા અને પંજાબમાં બે-બેના મોત થયા છે. હિમાચલના મંડીમાં વ્યાસ નદીના વહેણમાં 40 વર્ષ જૂનો પુલ ધોવાઈ ગયો હતો. દિલ્હીમાં 41 વર્ષ બાદ જુલાઈમાં માત્ર 33 કલાકમાં 259 મીમી વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે ઉત્તર રેલવેએ 17 ટ્રેનો રદ કરી છે. 12 ટ્રેનોના રૂટ બદલવા પડ્યા હતા. 

ભૂસ્ખલને પણ તકલીફ વધારી 

પહાડી રાજ્યોમાં ભૂસ્ખલનથી રસ્તાઓ કાટમાળમાં ફેરવાઈ ગયા છે, જ્યારે રાજધાની દિલ્હી સહિત મેદાની રાજ્યોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેના કારણે વાહનવ્યવહારને માઠી અસર થઈ હતી. દિલ્હીમાં યમુનાનું પાણી ખતરાના નિશાનની નજીક પહોંચી ગયું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પંજાબ, હિમાચલના મુખ્યમંત્રીઓ અને દિલ્હી અને જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરો સાથે વાત કરી હતી અને પરિસ્થિતિનો સામનો કરવા માટે કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી હતી.

હિમાચલમાં તો ચોમાસાના આગમન બાદથી વિનાશ 

હિમાચલમાં 24 જૂને ચોમાસાનું આગમન થયું ત્યારથી ભારે તબાહી થઈ છે. શનિવારે મોડી રાત્રે મંડી અને કુલ્લુમાં વાદળ ફાટવાના કારણે વ્યાસ નદીમાં અચાનક પાણી વધી ગયું હતું, જેમાં ત્રણ પુલ, એક એટીએમ અને ચાર દુકાનો ધોવાઈ ગઈ હતી. હવામાન વિભાગે આગામી 48 કલાકમાં ભારે વરસાદ માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. પંજાબના ઘણા વિસ્તારોમાં ટ્રેક પર પાણી ભરાવાને કારણે અંબાલાથી ઉના-અંબ-દૌલતપુર ચોક તરફ આવતી વંદે ભારત સહિત અન્ય ટ્રેનોની અવરજવર અટકી પડી હતી. શ્રીખંડ મહાદેવની યાત્રા બે દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે. રાજસ્થાનના હનુમાનગઢમાં છ ઈંચ પાણી વરસી ગયું છે. બીજી તરફ ઝુંઝુનુ અને સીકરમાં પૂર જેવી સ્થિતિ છે.

અચાનક પૂર અને ગાડીઓ ધોવાઈ ગઈ

કુલ્લુ-મનાલીમાં વાદળ ફાટવાને કારણે બિયાસ નદીમાં અચાનક આવેલા પૂરને કારણે અનેક વાહનો ધોવાઈ ગયા હતા. મનાલી-લેહ, ચંદીગઢ-મનાલી સહિત પાંચ રાષ્ટ્રીય ધોરીમાર્ગો ભૂસ્ખલનના કારણે 736 રસ્તાઓ બંધ થઈ ગયા છે. હેરિટેજ કાલકા-શિમલા ટ્રેક પર કાટમાળ પડવાને કારણે ટ્રેનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે.

લાલ નિશાનની નજીક યમુના નદી, દિલ્હીમાં પૂરનું એલર્ટ

દિલ્હીમાં યમુના નદીનું પાણી ખતરાના નિશાનની નજીક પહોંચી ગયું છે. રાત્રે 9 વાગ્યે, જૂના રેલ્વે બ્રિજ પર પાણી 203.62 મીટરની ઊંચાઈએ હતું, જે લાલ નિશાનથી 1.71 મીટર નીચે હતું. યમુનાનગરના હથિનીકુંડ બેરેજમાંથી સતત પાણી છોડવાના કારણે દિલ્હી સરકારે પૂરનું એલર્ટ જાહેર કર્યું છે. અત્યાર સુધીમાં એક લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું છે. દિલ્હીમાં રવિવારે સવારે 8 વાગ્યા સુધીના 24 કલાકમાં 153 મીમી વરસાદ નોંધાયો હતો. 41 વર્ષ પહેલા 25 જુલાઈ 1982ના રોજ 169.9 મીમી વરસાદ બાદ આ સૌથી વધુ છે.

ઉત્તરાખંડ, પંજાબ અને હરિયાણામાં ભારે વરસાદ

પંજાબના પટિયાલા, ફાઝિલ્કા, હોશિયારપુર, ફતેહગઢ સાહિબ સહિત વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. પટિયાલામાં પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે અને નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરોને ખાલી કરાવવામાં આવ્યા છે. ચંદીગઢમાં 24 કલાકમાં 322 મીમી વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.

હરિયાણા: અંબાલા, યમુનાનગર, કુરુક્ષેત્ર, કરનાલ અને કૈથલ સહિતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. અંબાલામાં શનિવારથી અત્યાર સુધીમાં 270 મીમી વરસાદ નોંધાયો છે.

ઉત્તરાખંડઃ આગામી બે દિવસમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભૂસ્ખલનના કાટમાળને કારણે 175થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે. ગંગોત્રી-યમુનોત્રી હાઈવે રાત્રે આઠ વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી બંધ રહેશે.

દિલ્હી, ગાઝિયાબાદ, નોઈડા અને લુધિયાણામાં શાળાઓ બંધ

ભારે વરસાદના કારણે શાળાઓ બંધ કરવી પડી હતી. સોમવારે દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ, હાપુડ અને ફરીદાબાદમાં શાળાઓ બંધ રહેશે. લુધિયાણામાં પણ વરસાદને કારણે શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.