બંદૂકધારીએ બાબ અલ-મહદી દરવાજાથી દરગાહમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો
અરાજકતાને જોતા વિસ્તારની દુકાનો બંધ કરી દેવામાં આવી છે
ઈસ્લામિક દેશ ઈરાનમાં એક શિયા દરગાહ પર હુમલો થયો છે, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. આ આતંકવાદી હુમલો ઈરાનના શિરાઝ શહેરમાં સ્થિત શાહ ચિરાગ દરગાહ પર થયો હતો. આ દરગાહ ઈરાનના સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોમાંથી એક છે.
ઓક્ટોબરમાં પણ થયો હતો હુમલો
મળેલા અહેવાલ મુજબ એક સશસ્ત્ર હુમલાખોરે શાહ ચિરાગ દરગાહમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો અને ત્યાં પહોંચેલા લોકો પર ગોળીબાર કર્યો. જો કે ટૂંક સમયમાં જ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. શાહ ચિરાગ દરગાહને ગયા વર્ષે ઓક્ટોબરમાં પણ નિશાન બનાવવામાં આવી હતી જેમાં 13 લોકોના મોત થયા હતા. આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટે લીધી હતી.
હુમલામાં એક વ્યક્તિનું મોત
મળેલા અહેવાલો મુજબ આ હુમલામાં એક વ્યક્તિનું મોત સર્જાયું હતું જયારે 8 લોકો ઘાયલ થયા હતા. ઈરાનના સૈન્ય ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સના કમાન્ડર યદોલ્લા બૌલીએ જણાવ્યું હતું કે, “એક આતંકવાદી દરગાહના અંદર ઘૂસી ગયો હતો અને રાઈફલથી ગોળીબાર કર્યો હતો.”
દરગાહની આસપાસ કડક સુરક્ષા
બંદૂકધારીએ બાબ અલ-મહદી દરવાજાથી દરગાહમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સુરક્ષા દળોએ તેને ત્યાં જ રોકાવા કહ્યું. જ્યારે સુરક્ષાકર્મીઓએ તેને રોક્યો તો તેણે અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. અરાજકતાને જોતા વિસ્તારની દુકાનો બંધ કરી દેવામાં આવી છે. સુરક્ષા દળોએ દરગાહને ચારે બાજુથી ઘેરી લીધી છે અને આસપાસની સુરક્ષા કડક કરી દેવામાં આવી છે.