નવી દિલ્હી: એમએસપી કાયદા સહિતની અનેક માગણીઓને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂત સંગઠનોનું આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે આજે સવારે બસંતપુરા ગામ પાસે ફિરોઝપુરથી શંભુ બોર્ડર જઈ રહેલી ટ્રેક્ટર ટ્રોલીને ટ્રકે ટક્કર મારી હતી, જેના કારણે ટ્રેક્ટર ટ્રોલી ખાણમાં પલટી હતી. આ અકસ્માતમાં એક ખેડૂત ગુરજંત સિંહનું મોત થયું હતું જ્યારે અન્ય બે લોકોને ઈજા થઈ હતી. જો કે, ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.13મી ફેબ્રુઆરીએ ખેડૂતોની ‘દિલ્હી ચલો’ કૂચની જાહેરાત બાદ અત્યાર સુધીમાં છ ખેડૂતોના મોત થયા છે.શુક્રવારે ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે જણાવ્યું હતું કે,’62 વર્ષીય ખેડૂતનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. આ ઉપરાંત હરિયાણા પોલીસની ગોળીથી શુભકરણનું મોત થયું હતું, જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.’ઉલ્લેખનીય છે કે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને શુભકરણના પરિવારને આર્થિક મદદ અને તેની નાની બહેનને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે. બીજી તરફ ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી શુભકરણના હત્યારાઓને સજા નહીં મળે ત્યાં સુધી શુભકરણના અંતિમ સંસ્કાર કરવામાં આવશે નહીં.