પેરિસ ઓલિમ્પિકમાં પીવી સિંધુ અને ચિરાગ-સાત્વિકથી મળેલી નિરાશા બાદ ભારતીય ચાહકોને યુવા બેડમિંટન પ્લેયર લક્ષ્ય સેને સારા સમાચાર આપ્યા છે. લક્ષ્ય સેને પેરિસ ઓલિમ્પિક 2024માં મેન્સ સિંગલ્સ બેડમિંટનના સેમીફાઇનલમાં સ્થાન બનાવી ઇતિહાસ રચી દીધો છે. આ સાથે તે આ ઓલિમ્પિકના ઇતિહાસમાં સેમિફાઇનલમાં પહોંચનારો પહેલો ભારતીય પુરૂષ ખેલાડી બની ગયો છે. લક્ષ્યએ તેના ક્વાર્ટર ફાઇનલ મેચમાં જબરદસ્ત વાપસી કરતા તાઇવાનના પ્લેયરને 19-21, 21-15 અને 21-12થી હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે.આ મેચમાં બંને સ્ટાર ખેલાડીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. બંને ખેલાડીઓ એક-એક પોઈન્ટ માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. પ્રથમ સેટમાં ચાઈનીઝ તાઈપેઈના ચાઉ ટિએન ચેને લક્ષ્યને કોઈ તક આપી ન હતી અને સેટ 21-19થી જીતી લીધો હતો. લક્ષ્યે ત્યારબાદ બીજા સેટમાં પુનરાગમન કર્યું હતું અને 21-15થી જીત મેળવીને મેચમાં બરાબરી કરી હતી.
કોણ છે લક્ષ્ય સેન?
ભારતીય બેડમિંટનના ઉભરતા સ્ટાર લક્ષ્ય સેન, અલ્મોડા, ઉત્તરાખંડનો છે. તેનો જન્મ 16 ઓગસ્ટ 2001ના રોજ થયો હતો. સેનની સિદ્ધિઓમાં 2022 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ અને 2022 એશિયન ગેમ્સમાં સિલ્વરનો સમાવેશ થાય છે, જે આંતરરાષ્ટ્રીય મંચ પર તેની કુશળતા દર્શાવે છે. તેની પ્રતિભા ત્યારે વધુ પ્રકાશિત થઈ જ્યારે તેણે 2021 વિશ્વ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો અને ભારતના ટોચના બેડમિન્ટન ખેલાડીઓમાંના એક તરીકે પોતાની સ્થિતિ મજબૂત કરી.
લક્ષ્ય સેને થોમસ કપ 2022માં મોટી સફળતા મેળવી હતી
સેને ભારતની ઐતિહાસિક 2022 થોમસ કપ જીતમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી ટીમની સફળતામાં યોગદાન આપ્યું હતું. તેની અસાધારણ ચપળતા અને કૌશલ્યએ તેને કારકિર્દીમાં વિશ્વમાં નંબર 6નું ઉચ્ચ રેન્કિંગ અપાવ્યું છે, જે એક ખેલાડી તરીકે તેના સતત પ્રદર્શનને પ્રતિબિંબિત કરે છે. 2022 ઈન્ડિયા ઓપન અને 2023 કેનેડા ઓપનમાં પ્રભાવશાળી જીત સાથે સેને બેડમિન્ટન જગતમાં તેણે પોતાની જાતને એક પ્રબળ સ્પર્ધક તરીકે સ્થાપિત કરી છે. તેનું સમર્પણ અને પ્રતિભા તેને ઓલિમ્પિક સફળતા માટે મજબૂત દાવેદાર બનાવે છે અને ચાહકો બેડમિન્ટનની રમતમાં તેની ભાવિ સિદ્ધિઓની આતુરતાથી રાહ જુએ છે.
ઓલિમ્પિકમાં મનુ ભાકરને હેટ્રિકની આશા, 25 મીટર પિસ્તોલ શૂટિંગની ફાઇનલમાં પહોંચી, ગોલ્ડ પર નજર
પીવી સિંધુ તેમજ સાત્વિક-ચિરાગ તરફથી મળી નિરાશા
એક દિવસ પહેલા જ (1 ઓગસ્ટ) ભારતને બેડમિન્ટમાં બેવડો ઝટકો લાગ્યો હતો. દેશ માટે મોટી આશા રહેલી સ્ટાર બેડમિંટન પ્લેયર પીવી સિંધુ સતત ત્રીજી વખત ઓલિમ્પિક મેડલ જીતવાથી ચૂકી ગઇ હતી. તેને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી બાજુ મેન્સ ડબલ્સમાં સાત્વિક-ચિરાગની સુપરસ્ટાર જોડીને પણ હારનો સામનો કરવો પડ્યો હતો અને તેઓ પણ ક્વાર્ટર ફાઇનલમાં બહાર થયા હતા. આવી સ્થિતિમાં બેડમિન્ટમાં ભારતની છેલ્લી આશા લક્ષ્ય જ છે.