ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે હાલમાં મહાકુંભ મેળામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું છે. આ મેળામાં દેશ-વિદેશથી લોકો પહોંચી રહ્યા છે. ત્યારે બસ-ટ્રેન જેવી ટ્રાન્સપોર્ટેેેશનની સુવિધાઓમાં વધારો કરાયો છે ત્યારે વધારે ભીડને પગલે ઘણાં લોકો વિમાન દ્વારા ત્યાં પહોંચવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન એરલાઇન્સ તરફથી તકનો લાભ લઈને લૂંટવાનું શરૂ કરી દેવાયું છે. માહિતી અનુસાર અમદાવાદથી પ્રયાગરાજ માટે જે વિમાન ભાડું પહેલાં 6100 રૂપિયાની આજુબાજુ હતું તે હવે 40 હજાર રૂપિયાને વટાવી ગયું હોવાની ચર્ચા છે. આ અસામાન્ય ભાવ વધારાને કારણે ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
તમામ ચાર્જ સરખા છતાં રજામાં એરફેર તોતિંગ વધારો શા માટે? :
મળતી માહિતી અનુસાર, હાલ અમદાવાદથી પ્રયાગરાજનું ભાડું 6100 રૂપિયાની આસપાસ હોય છે. પરંતુ મહાકુંભને પગલે એરફેર સામાન્ય દિવસો કરતાં અંદાજે 7 ગણો વધારો થઈ ગયો છે. આગામી 25થી 27 જાન્યુઆરી દરમિયાન અમદાવાદથી પ્રયાગરાજનું વન-વે એરફેર રૂપિયા 22560થી 39500 રૂપિયાની આસપાસ છે. વધતા એરફેરથી નારાજ શ્રદ્ધાળુઓના મતે એરલાઈન્સના ફયુઅલનો ચાર્જ, એરપોર્ટ ટેક્સ, ગવર્નમેન્ટ ટેક્સ, સ્ટાફ પગાર, ઓપરેશન કોસ્ટ તથા અન્ય તમામ ખર્ચાની ગણતરી મુજબ એક સરખા હોવા છતાં સવારની ફ્લાઇટમાં, બપોરની ફ્લાઇટમાં, તહેવારોમાં, રજાઓમાં ભાડા દસ ગણા કઈ રીતે થઈ જાય છે? અમદાવાદ પ્રયાગરાજની એર ટિકિટ 40 રૂપિયા હજારમા વેચાય છે, તે એક પ્રકારની લૂંટ નથી? શું સરકારનું વધતા એરફેર પર કોઈ નિયંત્રણ જ નહીં હોય? જાણકારોના મતે, લો કોસ્ટ એરલાઈન્સ અમુક ટિકિટ લો કોસ્ટના નામે વેચી બાકી બધી જ ટિકિટો ડબલ અને 3થી 5 ગણાં ભાવે વેચતી હોય છે. લો કોસ્ટના નામે ટિકિટ નોન રિફંડેબલ હોય છે અને એરલાઈન્સ દ્રારા કોઈ રીફંડ આપવામાં નથી આવતું. લો કોસ્ટના નામે ફલાઈટમાં કોઈપણ જાતની સર્વિસ અપાતી નથી ઘણી એરલાઈન્સે તો પાણી પણ આપવાનું બંધ કર્યું છે.