
ગાંધીનગર સ્થિત ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT City) ને વૈશ્વિક કક્ષાનું બિઝનેસ અને લાઇફસ્ટાઇલ ડેસ્ટિનેશન બનાવવા માટે ગુજરાત સરકારે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે બે અલગ-અલગ જાહેરનામા બહાર પાડીને ગિફ્ટ સિટીમાં પીરસાતા વિદેશી દારૂ પરના વેલ્યુ એડેડ ટેક્સ (VAT) ને 65% થી ઘટાડીને સીધો 25% કરી દીધો છે. આ સાથે જ, અત્યાર સુધી 30 મિલી આલ્કોહોલના સર્વિંગ પર વસૂલાતી આશરે 240 રૂપિયાની સ્પેશિયલ ફી ને પણ સંપૂર્ણપણે નાબૂદ કરી દેવામાં આવી છે. સરકારના આ પગલાથી ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂની કિંમતોમાં મોટો ઘટાડો થશે.
કિંમતોની વિસંગતતા દૂર કરવાનો પ્રયાસ
વહીવટી તંત્રના ઉચ્ચ સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્પેશિયલ ફી નાબૂદ કરીને અને વેટમાં ભારે ઘટાડો કરીને રાજ્ય સરકાર ગિફ્ટ સિટીમાં અન્ય મોટા મેટ્રો શહેરો જેવી જ કિંમતો લાવવા માંગે છે. આ સુધારા પાછળનો હેતુ અહીં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રતિભાઓને આકર્ષવાનો છે. વરિષ્ઠ અધિકારીઓએ સ્વીકાર્યું હતું કે અગાઉની કર વ્યવસ્થાને કારણે ફિનટેક હબમાં ડ્રિંક્સ અન્ય ભારતીય મેટ્રો શહેરો કરતાં ઘણા વધારે મોંઘા પડતા હતા. જે એક મોટી વિસંગતતા હતી.
ગ્રાહકોના ખિસ્સા પર કેવી અસર પડશે?
આ ટેક્સ ઘટાડાની વાસ્તવિક અસર સમજવા માટેની ગણતરી ખૂબ જ ચોંકાવનારી છે. અગાઉ ગિફ્ટ સિટીની વાઇન-એન્ડ-ડાઇન ફેસિલિટીમાં જે વિદેશી દારૂના ડ્રિંકની મેનૂ પ્રાઇઝ 100 રૂપિયા હતી, તેના પર 240 રૂપિયા સ્પેશિયલ ફી અને 65% વેટ લેખેના 221 રૂપિયા ઉમેરાતા ગ્રાહકને તે ડ્રિંક 561 રૂપિયામાં પડતું હતું. સરકારના નવા સુધારા બાદ હવે આ 100 રૂપિયાનું ડ્રિંક માત્ર 125 રૂપિયામાં મળશે. એ જ રીતે, જે પ્રીમિયમ ડ્રિંકની મેનૂ પ્રાઇઝ 1000 રૂપિયા હતી, તે અગાઉ 240 રૂપિયાની ફી અને ચક્રવૃદ્ધિ વેટના કારણે 2046 રૂપિયામાં પડતી હતી, જે હવે ઘટીને માત્ર 1250 રૂપિયા થઈ જશે.
અન્ય મેટ્રો સિટીની તુલનાએ કિંમતમાં ભારે અસમાનતા હતી
અત્યાર સુધી પ્રતિ બલ્ક લીટર 8,000 રૂપિયા લેખે (જે 30 મિલી દીઠ 240 રૂપિયા થતી હતી) તમામ કેટેગરી પર સમાન રીતે સ્પેશિયલ ફી લેવાતી હતી. જે મુંબઈ કે દિલ્હી જેવા બજારોમાં અસ્તિત્વ ધરાવતી નથી. વધુમાં, અન્ય રાજ્યો માત્ર મેનૂ પ્રાઇઝ પર વેટ લે છે, જ્યારે ગિફ્ટ સિટીમાં મેનૂ પ્રાઇઝ વત્તા સ્પેશિયલ ફીના કુલ સરવાળા પર 65% વેટ ગણાતો હતો, જેના કારણે કિંમતો આસમાને પહોંચી જતી હતી. આ અસંગત ભાવોને લીધે હોસ્પિટાલિટી ઓપરેટર્સના માર્જિન ઘટતા હતા.
2030 ની કોમનવેલ્થ ગેમ્સ પર સરકારની નજર
આ આંતરિક કાયદાકીય સુધારા પાછળ રાજ્ય સરકાર દ્વારા હોસ્ટ થનારી 2030 ની કોમનવેલ્થ ગેમ્સ પણ એક મોટું કારણ છે. આ પ્રસ્તાવિત ગેમ્સના કેટલાક વેન્યુ ગિફ્ટ સિટીની નજીક હોવાથી અને વિદેશી મહેમાનો-ખેલાડીઓ જ્યાં રોકાવાના છે તે ઝોનમાં પણ ભવિષ્યમાં આવી જ લિબરલ લિકર પોલિસી લાગુ કરવાની ગણતરી હોવાથી સરકારે આ મોટો નિર્ણય લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે અગાઉ ડિસેમ્બર 2023 માં ગિફ્ટ સિટીમાં દારૂબંધીના નિયમોમાં પ્રથમ વખત ઢીલ આપી હતી અને ત્યારબાદ ડિસેમ્બર 2025 માં પણ અન્ય નિયમો વધુ સરળ કર્યા હતા.
