
રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર 2026 દરમિયાન યોજાનારી એશિયન ગેમ્સ માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય ટીમમાં પસંદગી થઈ છે. આ ચારેય ખેલાડીઓ કુસ્તી અને બોક્સિંગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
ભારતીય ટીમમાં પસંદગી પામેલા ખેલાડીઓમાં સુનીલ કુમાર, નિતેશ સિવાચ, સાગર જગલાન અને પરવીન હુડ્ડા નો સમાવેશ થાય છે.
સુનીલ કુમાર ગ્રીકો-રોમન કુસ્તીની 87 કિલોગ્રામ વજન શ્રેણીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. નિતેશ સિવાચ 97 કિલોગ્રામ વજન શ્રેણીમાં ગ્રીકો-રોમન કુસ્તીમાં ભાગ લેશે. સાગર જગલાન ફ્રીસ્ટાઇલ કુસ્તીની 74 કિલોગ્રામ વજન શ્રેણીમાં ભારત તરફથી મેદાનમાં ઉતરશે. જ્યારે પરવીન હુડ્ડા મહિલા બોક્સિંગની 65 કિલોગ્રામ વજન શ્રેણીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
મારવાડી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. આર.બી. જાડેજા એ ચારેય ખેલાડીઓને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, “યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમમાં પસંદગી થવી સમગ્ર યુનિવર્સિટી પરિવાર માટે ગૌરવની વાત છે. ખેલાડીઓએ પોતાની રમતની સફરમાં શિસ્ત, મહેનત અને સતત પ્રયાસો દ્વારા આ સ્થાન મેળવ્યું છે. તેમની સફળતા એ પણ દર્શાવે છે કે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ યુવાનોને અભ્યાસની સાથે રમતગમતમાં આગળ વધવા માટે યોગ્ય તકો અને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.”
યુનિવર્સિટી તરફથી ચારેય ખેલાડીઓને એશિયન ગેમ્સ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. ચારેય ખેલાડીઓની પસંદગીથી યુનિવર્સિટીના અન્ય વિદ્યાર્થીઓ અને ઉભરતા ખેલાડીઓને પણ રમતગમતના ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રોત્સાહન મળશે.
