સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.
પરિચય- ફાલ્ગુની વસાવડા.
શીર્ષક- શ્રાવણી અભિષેક.
રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં ભિન્ન સ્વરૂપની આખ્યાયિકાને સમજીએ!!
હે દેવોના દેવ મહાદેવ.
સૌનાં હ્રદયમાં કરુણા રૂપે રહેલા આપનાં સૌમિત્રી સ્વરૂપને સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. ઋગ્વેદમાં રુદ્રાક્ષનાં મહાત્મ્ય સાથે જ વિદ્યેશ્વર સંહિતા પૂરી થાય છે, અને રુદ્ર સંહિતા શરું થાય છે. રુદ્ર સંહિતામાં સૃષ્ટિ, સતી, પાર્વતી, કુમાર અને યુદ્ધ એમ પાંચ ખંડ છે. આ પાંચેય ખંડથી આમ તો આપણે પરિચિત છીએ, કારણકે રામચરિત માનસમાં તુલસીદાસજી રામકથા કહેતા પહેલાં શિવ કથા કહે છે, અને એમાં આ પાંચેય ખંડનું કથાનક ટૂંકમાં સમાવી લીધું છે. જેમ કે નારદની આકરી તપશ્ચર્યા, અને કામ વિજયનો પ્રસંગ , બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આગળ પોતાનાં તપનો પ્રભાવ કહેવો. શીલ નિધીની કન્યા સાથે લગ્નનો મોહ, વિષ્ણુ પાસે રુપ માંગવું, તપથી આવેલ ગર્વનું ખંડન કરવાં એને કપિ મસ્તક. નારદનો ભગવાનને શ્રાપ, જે રામ જન્મનું એક કારણ છે. પાછળથી પસતાવો, અને બ્રહ્માજીનાં કહેવાથી પશ્ચાતાપ માટે શિવ તીર્થમાં ભ્રમણ. પ્રલય બાદ ફરી સદ્બ્રહ્મની સત્તાનું પ્રતિપાદન કરતાં સદાશિવનું પ્રાગટ્ય, એમની સાથે જ શક્તિ સ્વરૂપા અંબિકાનું પ્રાગટ્ય,એ બંને દ્વારા આનંદવન, કાશીનું નિર્માણ, વિષ્ણુનો આવિર્ભાવ. ત્યારબાદ શિવજીની વિષ્ણુની નાભિ માંથી કમલ, અને એમાંથી બ્રહ્માજીનું પ્રાગટ્ય,આમ સૃષ્ટિ સર્જનની ક્રિયાત્મક ભૂમિકા બની.
સતી ખંડમાં દક્ષની તપસ્યાથી સ્વયં શિવાનું દક્ષ અને વારિણીને ત્યાં જન્મ, અને સતીનું શિવ પાસેથી વરદાન પ્રાપ્ત કરવું, ત્યારબાદ સતીનું વરણ કરવું. શિવ પાર્વતીનું કુંભજ ને ત્યાં કથા સાંભળવા જવું, દંડકારણ્યમાં શિવનું શ્રીરામને પગે લાગવું, સતીની શંકા અને પરીક્ષા. સતીનો માનસિક ત્યાગ, દક્ષ યજ્ઞમાં સતીનું હોમાઈ જવું, શિવનું સતીનાં શબને લઈને ત્રણે લોકમાં ગુસ્સાથી ઘુમવું, સર્વત્ર હાહાકાર મચી જવો. હિમાલયનો મેના સાથે વિવાહ,સનકાદિકનો શ્રાપ અને વરદાન. દેવતાઓએ સંતાન માટે બતાવી ઉમા આરાધનાની વિધિ, દેવી ઉમાનું હિમવાનનાં હ્રદયમાં અને મેનાનાં ગર્ભમાં આવવું. દેવી દેવતા દ્વારા ઉમાનું સ્તુતિ સ્તવન, ગર્ભસ્થ શક્તિનો પ્રાદુર્ભાવ, સતીનો હિમાલય અને મેનાને ત્યાં જન્મ. કન્યાનું પાર્વતી નામકરણ, નારદ મુનિ એ કન્યાનું ભાગ્ય ભાખ્યું. અનન્ય કાંતિ વાળા પુરુષ સાથે લગ્ન થશે, પણ એ માટે વ્રત તપની વિધા બતાવી. નાની ઉંમરે જ પાર્વતી તપ કરવા અરણ્યમાં જાય છે. દેવતાઓ દ્વારા તારકાસુરના વધ માટે શિવ પાર્વતીના વિવાહની કવાયત. શિવની સમાધિ તોડાવવા માટે કામનું ભસ્મ થવું રતિનો વિલાપ,શિવજી એને દ્વાપરમાં જન્મશે એવું આશ્વાસન. સપ્ત ઋષિ દ્વારા પાર્વતીની પરીક્ષા, ભગવાન વિષ્ણુ દ્વારા શિવને વિવાહ માટે અનુરોધ, અને શિવ પાર્વતીનાં વિવાહ સંપન્ન થયાં ત્યાં સુધીની કથા,સૃષ્ટિ, સતી અને પાર્વતી ખંડમાં આવે છે.
આપણે ઉપર જોયું કે સતી અને પાર્વતી બંને ને શંકર પ્રિયાનું સ્થાન મળેલ છે, અને તત્વતઃ બંને એક જ શક્તિ સ્વરૂપા છે, એટલે કે જગત જનની જગદંબા, પછી તેને અંબા, અંબિકા, દુર્ગા જે નામ આપો તે! પણ ચિંતન કરીએ તો બંને ભિન્ન કક્ષા ધરાવે છે. સતી પણ શંકર ને મન પ્રાણપ્રિયા હતી, અને પાર્વતી પણ!: પરંતુ સતી સાથે એનું ગૃહસ્થ જીવન એટલું પરિણામદાયી ન બન્યું! જ્યારે શંકર પાર્વતીને ગૃહસ્થ જીવનનાં આદર્શ માનવામાં આવે છે, અને આખો પરિવાર પૂજનીય બન્યો છે. શ્રદ્ધા અને વિશ્વાસ એમ ભવાની શકંરૌ દરેકમાં વસે છે! પણ કોઈમાં શ્રદ્ધાની બદલે સતી સ્વરૂપ વસે, અથવા ક્યારેક સતી તો ક્યારેક શ્રદ્ધા એમ પણ બને, ટૂંકમાં સતી અને પાર્વતી પણ એક જ સ્વરૂપની બે કક્ષા છે.
સતી*” સતી એ દક્ષ પ્રજાપતિની પુત્રી હતાં, અને દક્ષને પોતાની દક્ષતા એટલે કે મહાનતા પર ખૂબ અભિમાન હતું! ઈતિહાસ મુજબ દક્ષ પ્રજાપતિના ખૂબ સંખ્યામાં પુત્રો હતાં, અને તેનો જીવ સૃષ્ટિ સર્જનમાં બહુ મહત્વનો અને મોટો ભાગ હતો. આ ઉપરાંત તેને ઘણી પુત્રીઓ પણ હતી, અને આપણે ત્યાં જે નક્ષત્ર ગણવામાં આવે છે, તે સત્યાવીસ નક્ષત્ર એની પુત્રી છે. સતી એટલે બુદ્ધિનું અહંકારી સ્વરૂપ છે, જેનું માનવું છે કે, જગતમાં એની બુદ્ધિનો કોઈ મુકાબલો કરી શકે નહીં! એવી એક ગુરુતા ગ્રંથિનું નામ સતી. બુદ્ધિની આ કક્ષા આપણને કોઈનાં ગુણને જોવાં દેતી નથી!: નમ્રતા અને વિવેક સાથે એને દૂર દૂર સુધી કંઈ લેવાદેવા નથી! અને પોતાની મહાનતાના ગાણાં ગાય છે! અને એટલે જ એણે શ્રીરામની પરીક્ષા કરી ,અને પોતાના પતિથી આ વાત છુપાવી પણ ખરી! એટલે સ્ત્રી હોય કે પુરુષ બુદ્ધિ જ્યારે ખેલ ખેલવા પર કટિબદ્ધ થાય તો એ શંકરપ્રિયા સતી છે, અને એ તબાહી મચાવી શકે, ખુદ પોતે પણ એનું પરિણામ ભોગવવું પડશે એવું વિચારે નહીં.
પાર્વતી** પાર્વતી એ હિમાલય અને મેનાવતીની પુત્રી અને હિમાલય એટલે પર્વત! પર્વત શીતલ, શાંત, સ્થિર, અને ધૈર્યવાન હોય અને તેની પુત્રી પણ અત્યંત ધૈર્યવાન છે, અને એટલે ગત જન્મની ભૂલને દોહરાવી નહીં! શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા આકરું તપ કર્યું, એના તપનાં વર્ણનો શાસ્ત્રોમાં વાંચીએ ત્યારે આપણને ખરેખર ગર્વ થાય. તો સવાલ એ થાય કે બુદ્ધિની કક્ષાનું એ કયું સ્વરૂપ હતું? કે જેણે પર્વતને પીગળાવીને જન્મોજન્મનાં પ્રેમ માટેની પવિત્ર ધારા વહાવી! બુદ્ધિનું શ્રદ્ધા સ્વરૂપ એટલે પાર્વતી, આપણાં સૌની ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા પથ્થરને પણ ભગવાન બનાવી શકે છે, એનું ઉદાહરણ મા પાર્વતી છે. એમણે પોતાનાં તપકાળ દરમિયાન શંકરનાં સ્વરૂપ તરીકે શિવલિંગની રચના કરી. અરણ્યમાં, નદી કાઠે, કે સરોવર કાંઠે, માટી, રેતી કે પત્થરનાં ભગવાન શંકરના લિંગ બનાવી, એમણે એની પૂજા કે તપસ્યા કરી, અને પરિણામ સ્વરૂપ એમને ભગવાન શંકર પતિ તરીકે પ્રાપ્ત થયાં. આપણે મા જગદંબાના પાર્વતી સ્વરૂપને આપણી બુદ્ધિમાં શ્રદ્ધા તરીકે સ્થાન આપીએ, તો આપણો ઈશ્વર પ્રત્યેનો વિશ્વાસ બમણો થશે, અને આપણને પણ એવું જ પરિણામ મળશે.
આમ જુવો તો સતી અને પાર્વતી બંને બુદ્ધિનાં જ સ્વરૂપ છે, પરંતુ એક મ્યાનમાં બે તલવાર સાથે રહી શકે નહીં! એમ આ બંને પણ સાથે રહી શકતા નથી, અને માટે જ કક્ષા બદલાય, ત્યારે જ શ્રદ્ધાનું સાત્વિક સ્વરૂપ સમજાય! એટલે કે સતીનો એક જન્મ પૂરો થાય, પછી જ શ્રદ્ધાનો જન્મ થાય છે. આપણા સનાતન ધર્મમાં 33 કરોડ દેવતાઓની વાત આવી છે. એ કંઈ આમ જ નથી કહ્યું, આપણાં શરીર વિજ્ઞાન સાથે આ વાત સીધો સંબંધ ધરાવે છે. એટલે કે કોઈને કોઈ રૂપે આ દેવીદેવતા આપણાં શરીર તેમજ મનને સંચાલિત કરી સાત્વિક રાખવામાં મદદરૂપ થાય છે. પણ જો શ્રદ્ધાથી એમને દેવદેવી માનવામાં આવે તો એ વધુ ઝડપથી પુષ્ટિ કરે છે. હવે ઈલાજ આપણા હાથમાં છે કે, આપણે બુદ્ધિથી સતીની વાતને અનુમોદન આપવું કે, પાર્વતી બની બુદ્ધિને શ્રદ્ધા સ્વરૂપે પ્રસ્થાપિત કરવી, કે જ્યાં શંકર સિવાય કોઈ વિકલ્પ નથી! આપણી શ્રદ્ધાને મા પાર્વતી જેવી સ્થિર અને સાત્વિક બનાવીએ. ૐ નમઃ શિવાય.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
