અમદાવાદ ગુરુવાર,19 નવેમ્બર 2026 : ભારતીય વાયુસેનાએ, હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (HQ IDS) અને હેડક્વાર્ટર સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (HQ SWAC)ના નેતૃત્વ હેઠળ, 17 થી 19 નવેમ્બર 2026 દરમિયાન જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે બહુરાષ્ટ્રીય માનવતાવાદી સહાય અને આપદા રાહત (HADR) કવાયત સહાયતા સેતુ 2026નું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. સહભાગી રાષ્ટ્રીય એજન્સીઓ અને મૈત્રીપૂર્ણ વિદેશી દેશો (FFC) સાથે સંકલનમાં આ કવાયત હાથ ધરવામાં આવી હતી.

અમદાવાદ ગુરુવાર,19 નવેમ્બર 2026 : આ કવાયત આજે બહુવિધ-એજન્સી ક્ષમતા પ્રદર્શન (MACD) સાથે સંપન્ન થઈ હતી, જેમાં સંકલિત આપદા પ્રતિભાવ ક્ષમતાઓ બતાવવામાં આવી હતી અને ત્યારબાદ કવાયતમાં ભાગ લેનારા મૈત્રીપૂર્ણ વિદેશી દેશોના પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ એન.એસ. રાજા સુબ્રમણ્યમ, PVSM, AVSM, SM, VSM, મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે એર ચીફ માર્શલ આશુતોષ દીક્ષિત, PVSM, AVSM, VM, VSM, વાયુસેનાના વડા, ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા, દક્ષિણી કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, પશ્ચિમી નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ અને અન્ય વરિષ્ઠ સૈન્ય અને નાગરિક મહાનુભાવો તથા મીડિયાના કર્મચારીઓ અને શાળાના બાળકો હાજર રહ્યા હતા.

સહાયતા સેતુ 2026 કવાયતમાં સામૂહિક સજ્જતા વધારવા અને પરસ્પર શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે બહુપક્ષીય અભિગમ અપનાવવામાં આવ્યો છે. આ સેમિનારમાં જ્ઞાનની વહેંચણી અને કૌશલ્યનું આદાનપ્રદાન કરવામાં આવ્યું; ટેબલ ટોપ એક્સરસાઇઝ (TTX) દ્વારા સિમ્યુલેટેડ આપદાના સંજોગોમાં નિર્ણય લેવા અને પ્રતિભાવ આયોજન કરવા માટે સહયોગી પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું; સ્થિર પ્રદર્શન સાધનો અને ક્ષમતાઓ સાથે ટેકનિકલ પરિચય આપવામાં આવ્યો; તેમજ બહુવિધ એજન્સી ક્ષમતા પ્રદર્શન (MACD) અંતર્ગત જમીન, હવાઈ અને દરિયાઈ ક્ષેત્રોમાં પસંદગીની કાર્યકારી ક્ષમતાઓ અને આંતર-એજન્સી સંકલનનું પ્રાયોગિક પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું. એકંદરે, MACD એ સહકારને મજબૂત કરવા, સમજણ વધારવા અને સામૂહિક પ્રતિભાવ ક્ષમતાના નિર્માણ માટે એક વ્યાપક પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું.
આ કવાયતમાં QUAD HADR કામકાજી જૂથની બેઠક પણ યોજાઈ હતી, જેમણે QUAD HADR ભાગીદારી હેઠળ સંકલિત આપદા પ્રતિભાવ પદ્ધતિઓને આગળ વધારવા અને પ્રાદેશિક ક્ષમતા નિર્માણને મજબૂત બનાવવા માટે સહભાગી દેશોની સહિયારી પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી.

મીડિયા સાથે વાત કરતી વખતે CDSએ ભારપૂર્વક કહ્યું હતું કે આપદા રાહત માટે સંકલિત “સંપૂર્ણ રાષ્ટ્ર” અભિગમની જરૂર છે. તેમણે એ બાબત પર પણ પ્રકાશ પાડ્યો હતો કે ભારત તેની “પડોશી પ્રથમ” નીતિ અને ‘મહાસાગર’ના વિઝન દ્વારા સંચાલિત, હિન્દ-પ્રશાંત અને IORમાં એક વિશ્વસનીય પ્રથમ પ્રતિભાવકર્તા તરીકે કાર્ય કરે છે.
કવાયતના સફળ સંચાલને કુદરતી આફતો અને માનવતાવાદી કટોકટીઓની સ્થિતિ સામે અસરકારક રીતે પ્રતિસાદ આપવા માટે સંકલિત આયોજન, નિર્બાધ સંકલન, આંતર-પરિચાલન ક્ષમતા તથા ટેક્નોલોજીકલ ઇનોવેશનનો ઉપયોગ કરવાના મહત્વને રેખાંકિત કર્યું હતું. તેનાથી સમગ્ર-સરકાર અને સમગ્ર-સમાજના અભિગમ દ્વારા જટિલ આપદાના સંજોગોનો સામનો કરવામાં સહભાગી સંરક્ષણ દળો, રાષ્ટ્રીય એજન્સીઓ અને આંતરરાષ્ટ્રીય ભાગીદારોની સામૂહિક ક્ષમતાઓ વધુ મજબૂત બની છે.

સહાયતા સેતુ 2026 કવાયતે માનવતાવાદી સેવા, આંતરરાષ્ટ્રીય સહયોગ અને કાર્યકારી શ્રેષ્ઠતા પ્રત્યે તમામ સહભાગીઓની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી હતી.
