રાજ્યના સાંસ્કૃતિક વનનું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ

0
24

અમદાવાદ,તા.૩
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પર્યાવરણની વૈશ્વિક સમસ્યાના ઉપાય અને ગ્રીન-ક્લીન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે વૃક્ષ-વન ઉછેર સમયની માગ છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે. તેમણે પર્યાવરણના જતન સંતુલન સાથે ગુજરાતને વિકાસનું રોલ મોડેલ બનાવવા એક વ્યક્તિ – એક વૃક્ષનો સંકલ્પ સાકાર કરવા પણ આહવાન કર્યું છે. મુખ્યમંત્રી અમદાવાદના ઓઢવમાં રાજ્યકક્ષાના ૭૦મા વન મહોત્સવ અંતર્ગત ૮.૫૫ હેક્ટરમાં નિર્માણ પામેલા જડેશ્વર વનના લોકાર્પણ અવસરે સંબોધન કરી રહ્યા હતાં. વિજય રૂપાણીએ ગુજરાતને હરિત ક્રાંતિમાં અગ્રેસર બનાવવા ગ્રીન કવર વધારવા માટે આ વર્ષે વન મહોત્સવ તહેત ૧૦ કરોડ વૃક્ષ વાવેતરનો લક્ષ્યાંક છે તેની ભૂમિકા આપી હતી. તેમણે ઉમેર્યું કે વૃક્ષો વાવવાનું જ નહીં, તેનું જતન-સંવર્ધન અને ઉછેરનું પણ જન અભિયાન ઉપાડ્‌યું છે. આ સંદર્ભમાં તેમણે જિલ્લા-તાલુકા અને ગ્રામ કક્ષાએ વૃક્ષ વાવેતર-ઉછેરની તંદુરસ્ત સ્પર્ધા થાય અને ગ્રીન કવર વધે તેવી હિમાયત પણ કરી હતી. વન વિભાગે રાજ્યમાં સઘન વૃક્ષારોપણમાં જનભાગીદારી પ્રેરિત કરી વિવિધ સ્થળોએ ૧૮ જેટલા સાંસ્કૃતિક વન નિર્માણ કર્યાં છે. આજે લોકાર્પિત થયેલું જડેશ્વર વન એ શ્રૃંખલાનું ૧૯મુ સાંસ્કૃતિક વન છે. વિજય રૂપાણીએ શિવ ઉપાસનાના પવિત્ર શ્રાવણ માસમાં નિર્માણ થયેલું આ ‘જડેશ્વર વન’ સિમેન્ટ કોન્ક્રિટના જંગલ વચ્ચે હરિયાળા વૃક્ષો થકી અમૃત સમાન શુદ્ધ પ્રાણવાયુ પૂરો પાડશે તેમ ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે સમુદ્રમંથન વેળાએ નીકળેલા વિષનું જેમ ભગવાન શંકરે પાન કરીને ધરતીને અમૃત આપ્યું તેમ આ જડેશ્વર વન પણ ઔદ્યોગિક શહેરી પ્રદૂષણ વચ્ચે શુદ્ધ હવાનું અમૃત આપનારું બનશે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, આજે પર્યાવરણની સમસ્યા વધી છે ત્યારે જો વૃક્ષો નહીં વાવીએ તો આગામી પેઢીઓ આપણને માફ નહીં કરે. વૃક્ષો નહિં વાવીએ તો કેન્સર જેવા ભયાનક રોગો લોકોને ભરડો લેશે. તેમણે જણાવ્યું કે, જીવમાં શિવ, છોડમાં રણછોડ અને પીપળામાં પરષોત્તમએ આપણા સંસ્કાર છે. એક વ્યક્તિ એક વૃક્ષ વાવશે તો કરોડો વૃક્ષો વાવવાનું અભિયાન સફળ બનાવી શકીશું. અમદાવાદે મિશન મિલિયન ટ્રી હાથ ધર્યુ છે. રાજ્યના શિક્ષણ વિભાગે ‘એક બાળ- એક વૃક્ષ’ નો સંકલ્પ કર્યો છે તે આવકારદાયક છે, તેમ તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ગ્રીન ગુજરાત મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી હતી જેના દ્વારા દરેક લોકો પોતાની નજીકની નર્સરી અને તેમાં ઉપલબ્ધ રોપાઓની જાણકારી મેળવી શકશે. વનમંત્રી ગણપતસિંહ વસાવાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, ૭૦મા વન મહોત્સવના ભાગરૂપે ૧૯મુ સાંસ્કૃતિક વન ‘જડેશ્વર વન’ આકાર પામ્યું છે. આ વન ઉછેર-સંવર્ધન પ્રવૃત્તિને વેગવાન બનાવશે.

આભાર – નિહારીકા રવિયા