નવમીએ રાત્રે નવ વાગ્યા પછી સરકારી ઓનલાઈન સેવા બંધ

0
50
ત્રણ દિવસ સુધી ઓનલાઈન સેવા બંધ રખાશે

ગાંધીનગર સ્થિત ડેટા સેન્ટરમાં ટોરેન્ટ પાવરની ઈલેક્ટ્રિક પેનલમાં મેન્ટેનન્સ શરૂ કરવાનું હોવાથી સેવા ઠપ્પ રહેશે

અમદાવાદ, તા.૭
આગામી શુક્રવાર તા.૯ ઓગસ્ટના રાતના ૯ વાગ્યા પછી ત્રણ દિવસ માટે ગુજરાત સરકારની તમામ પ્રકારની ઓનલાઈન સેવાઓ, ૩૦૦ વેબસાઈટ, એપ્લિકેશન, ઈ-મેલ, ઈન્ટરનેટ બંધ કરવા તમામ વિભાગોને આદેશ કર્યો છે. ગાંધીનગર સ્થિત ડેટા સેન્ટરમાં ટોરેન્ટ પાવરની ઈલેક્ટ્રિક પેનલમાં મેન્ટેનન્સ શરૂ કરવાનું હોવાથી તા.૧૨ ઓગસ્ટની રાતના ૧૧-૫૯ કલાક સુધી જીસ્વાન નેટવર્ક બેઝડ ડેટા સેન્ટર કનેક્ટેડ તમામ સેવાઓને શટડાઉન કરી દેવાશે. આમ, ત્રણ દિવસ જીસ્વાન નેટવર્ક અને ૩૦૦થી વધુ વેબસાઇટને અસર થશે.
જીસ્વાન નેટવર્કમાં ગાંધીનગર સ્થિત ડેટા સેન્ટરથી ગુજરાત સરકારની ૩૦૦થી વધુ વેબસાઈટ અને ૪૦થી વધારે એપ્લિકેશન ઓપરેટ કરવામાં આવે છે. જેના થકી રાજ્યમાં ઓનલાઈન સેવા જેવી કે જન્મ-મરણના પ્રમાણપત્ર, મહેસૂલી નોંધ, ખેલમહાકુંભ માટે રજિસ્ટ્રેશન, ભરતી પરીક્ષાઓના ફોર્મ, વાહન લાયસન્સ, ઈ- ટ્રેઝરીથી લઈને શિષ્યવૃત્તિ સહિતની અનેક યોજનાઓ માટે ૪૦થી વધુ એપ્લિકેશનથી ઓનલાઈન સેવાઓ નાગરિકોને ઉપલબ્ધ કરાવાય છે. જે આગામી સપ્તાહે ગુરૂવારની રાતથી રવિવારની મધ્યરાત્રી દરમિયાન બંધ રહેશે. મહેસૂલ વિભાગના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, આગામી સપ્તાહે શનિ-રવિ જાહેર રજા છે. માત્ર શુક્રવારના એક દિવસ માટે નાગરીકોને હાલાકી પડશે. રવિવારની મધ્યરાત્રિ બાદ સેવાઓ પૂર્વવત થઈ જશે. તંત્ર દ્વારા શકય એટલી ઝડપથી ઓનલાઇન સેવા પૂર્વવત્‌ કરવાના પ્રયાસો કરવામાં આવશે એમ તેમણે ઉમેર્યું હતું.