દુષ્કર્મ કેસમાં ફાંસીની સજાને હાઈકોર્ટે ઘટાડી ૨૫ વર્ષ કરી

0
18
મોડાસામાં સેશન્સ કોર્ટે આરોપીને ફટકારેલી મૃત્યુદંડની સજા હાઇકોર્ટે ઘટાડીને ૨૫ વર્ષની સજામાં તબદિલ કરી

અમદાવાદ, તા.૬
મોડાસામાં સગીરા પર દુષ્કર્મ આચરી તેણીની કરપીણ હત્યા કરવાના ચકચારભર્યા કેસમાં ફાંસીની સજા પામેલા આરોપી દિનેશ વસાવાની મૃત્યુદંડની સજા ઘટાડી તેને ૨૫ વર્ષની કેદની સજા ફટકારી હતી. ગુજરાત હાઇકોર્ટે જાહેર કરેલા ચુકાદામાં આરોપીની દેહાંત દંડની સજામાં ઘટાડો કરી તેને ૨૫ વર્ષની કેદ ફટકારતો હુકમ કર્યો હતો. ચકચારભર્યા એવા આ કેસની વિગત એવી છે કે, મોડાસા તાલુકાના લીંભોઇ ગામે ૨૦૧૪માં આઠ વર્ષની બાળાને ચોકલેટ આપવાના બહાને દિનેશ વસાવાએ ઉઠાવી જઈ દુષ્કર્મ આચર્યા બાદ તેણીની કરપીણ હત્યા કરી હતી. દોષિત દિનેશે હત્યા કર્યા બાદ સગીરાને કૂવામાં નાંખી દીધી હતી. બાળકી ગુમ થવાની ઘટનાથી પરિવારજનો અને ગામલોકોએ શોધખોળ હાથ ધરતા દુષ્કર્મના આરોપીએ પણ બાળકીની શોધખોળમાં જોડાઈ પોલીસની આંખમાં ધૂળ નાખવાનો પ્રયત્ન કર્યો હતો. જા કે, આખરે પોલીસે સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી કેટલીક શંકા અને પુરાવાના આધારે આખરે દિનેશ વસાવાને આરોપી તરીકે ઓળખી લીધો હતો અને તેને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. આ અંગે મોડાસા સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા ચાર વર્ષ પછી કોર્ટે ૨૦૧૮માં આરોપીને ફાંસીની સજા ફટકારી હતી. આરોપી દિનેશ વસાવાની મૃત્યુદંડની સજાને આજે હાઈકોર્ટે ૨૫ વર્ષના કારાવાસની સજામાં પલટી હતી.