ટૂંકમાં ઇ-ટિકિટ બુકિંગની વ્યવસ્થા વધારે મોંઘી થશે

0
91

સ્લીપર ક્લાસના ટિકિટો પર ૨૦ રૂપિયા, એસી બોગીમાં બેઠક માટે પહેલા ૪૦ રૂપિયાના સર્વિસ ચાર્જ લાગૂ હતા
નવી દિલ્હી, તા. ૮
ટ્રેનની સફરના ઓનલાઇન રિઝર્વેશન માટે વધારે ખર્ચ કરવા માટેની તૈયારી રાખવી પડશે. ડિજિટલ ટ્રાન્ઝક્શનને પ્રોત્સાહન આપવા માટે પહેલા ઇ-ટિકિટો ઉપર સર્વિસ ચાર્જ ખતમ કરવામાં આવ્યો હતો. હવે ટૂંક સમયમાં જ ફરીથી વસુલ કરવામાં આવશે. પહેલા સ્લીપર ક્લાસમાં ટિકિટ પર ૨૦ રૂપિયા અને એસી બોગીમાં સીટ માટે ૪૦ રૂપિયાના સર્વિસ ચાર્જ લાગૂ થતાં હતા. ત્રીજી ઓગસ્ટના દિવસે રેલવે મંત્રાલયના પત્ર મુજબ મંત્રાલયના સંચાલન ખર્ચ ફરી વસુલવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં માર્કેટિંગ અને વેચાણ સેવાઓનો સમાવેશ થાય છે. નોટબંધીની જાહેરાત પહેલા એટલે કે નવેમ્બર ૨૦૧૬ સુધી ઇટિકિટો ઉપર સર્વિસ ચાર્જ વસુલવામાં આવતો હતો. આઈઆરસીટીસી સર્વિસ ચાર્જ માટે એકત્રિત કરવામાં આવેલી રકમનો ઉપયોગ ઇ-ટિકિટિંગ સિસ્ટમ માટે કરવામાં આવતી હતી. સુત્રોના કહેવા મુજબ નાણામંત્રાલય દ્વારા રેલવે મંત્રાલયને સર્વિસ ચાર્જ ન વસુલવા માટેની સલાહ આપી છે. સાથે સાથે એવું વચન પણ આપ્યું છે કે, સંચાલનનો ખર્ચ રિઇમ્બર્સ કરવામાં આવશે. ૧૯મી જુલાઈના દિવસે રેલવેને લખવામાં આવેલા એક પત્રમાં નાણામંત્રાલયે લખ્યું છે કે, ઇ-ટિકિટિંગની વ્યવસ્થાના સંચાલનને લઇને પૂર્ણ કરવા માટે રિઇમ્બર્સમેન્ટની વ્યવસ્થા કામચલાઉ હતી. શરૂઆતમાં આપવામાં આવેલા નિર્દેશ મુજબ સર્વિસ ચાર્જ ન વસુલવાની વ્યવસ્થા જૂન ૨૦૧૭ સુધી રહેવાની હતી પરંતુ મોડેથી અનેક વખત આની સમય મર્યાદા વધારવામાં આવી હતી. હજુ સુધી જુની વ્યવસ્થાને લાગૂ કરવામાં આવી નથી. આ ગાળા દરમિયાન આઈઆરસીટીસીની કમાણી પણ ઘટી ગઈ છે. કારણ કે, સર્વિસ ચાર્જથી થનારી આવક પૈકી રેલવેની કુલ આવકમાં મોટુ અંતર રહેલું છે. નાણામંત્રાલય તરફથી આઈઆરસીટીસીને ૮૮ કરોડ રૂપિયાના રિઇમ્બર્સમેન્ટ થવાની જરૂર હતી પરંતુ આ રકમ પુરતી સાબિત થઇ ન હતી.