કાશ્મીર ખીણથી કુલ ૭૦ ત્રાસવાદી આગરા શિફ્ટસુરક્ષા વ્યવસ્થા વચ્ચે વિમાનથી ત્રાસવાદીને લઇ જવાયા

0
16

શ્રીનગર, તા. ૮
કલમ ૩૭૦ની નાબૂદી બાદ જમ્મુ કાશ્મીરમાં આવતીકાલથી સાંબા જિલ્લામાં તમામ સ્કુલો પહેલાની જેમ જ ખુલી જશે. સરકારી કર્મચારીઓને કામ ઉપર પરત ફરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. વહીવટીતંત્રને નિર્દેશ આપવામાં આવ્યા છે કે, તમામ કર્મીઓની સુરક્ષા અને કામકાજના શાંતિપૂર્ણ માહોલને જાળવવાના પ્રયાસ કરવામાં આવે. પાંચમી ઓગસ્ટના દિવસે રાજ્યસભામાં કલમ ૩૭૦ સાથે સંબંધિત પ્રસ્તાવ રજૂ કરવામાં આવે તે પહેલા જમ્મુ કાશ્મીરમાં મોટાપાયે સુરક્ષા દળોની તૈનાતી કરવામાં આવી હતી. રાજ્યમાં ઇન્ટરનેટ અને સ્કુલ કોલેજાને બંધ રાખવામાં આવ્યા હતા પરંતુ હવે આ વ્યવસ્થાઓને હળવી કરવામાં આવી રહી છે. રાજ્યપાલે લોકોની મૂળભૂત સુવિધા અંગે માહિતી મેળવી છે. બીજી બાજુ કલમ ૩૭૦ની નાબૂદી બાદ હવે એક્શનનો દોર શરૂ થયો છે. આજે કાશ્મીર ખીણમાંથી આશરે ૭૦ ત્રાસવાદીઓ અને અલગતાવાદીઓને આગરા શિફ્ટ કરવામાં આવ્યા હતા. આ તમામ કેદીઓને કઠોર સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ખાસ વિમાન દ્વારા આગરા લઈ જવામાં આવ્યા છે. આમાથી મોટાભાગના લોકો ત્રાસવાદી અથવા તો પાકિસ્તાનનો સમર્થન ધરાવનાર કટ્ટરપંથીઓ છે. આ તમામને જુદી જુદી ત્રાસવાદી ગતિવિધિ અને ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ રહેવાના કારણે જેલમાં બંધ કરવામાં આવ્યા હતા. કાશ્મીરથી ખાસ વિમાન કેદીઓને લઇને આગરા પહોંચ્યું હતું. તેમને સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જેલમાં લઇ જવામાં આવ્યા હતા. કેન્દ્રીય સુરક્ષાની બેરેકમાં તેમને રાખવામાં આવ્યા છે. ગુપ્તચર સંસ્થાઓ હાઈએલર્ટ પર રાખવામાં આવી છે. કુખ્યાત કેદીઓને ઉત્તરપ્રદેશ ઉપરાંત અન્ય રાજ્યોની જેલમાં રાખવામાં આવ્યા છે.