કર્ણાટક: શિવકુમારની ધરપકડ બાદ ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન

0
72

 રામનગર 

કર્ણાટક કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા ડી કે શિવકુમારની મની લોન્ડરીંગનાં કેસમાં ઈડીએ મંગળવારે ધરપકડ કરી હતી. તેમની ધરપકડ બાદ કર્ણાટકમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. રામનગરમાં મંગળવારે મોડી રાત્રે બે બસોમાં આગચંપી કરવામાં આવી હતી. તેમજ કેટલીક બસો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. 

પોલીસના જણાવ્યા અનુસાર રામનગર મંડળમાં આશરે 10 બસો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. દેખાવકારોએ બસોની બારીઓના કાંચ પણ તોડી નાખ્યા હતા. રામનગર પોલીસે બસના પરિવહન પર આગામી આદેશ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે જ આજે રામનગરની તમામ શાળા-કોલેજો પણ બંધ રાખવામાં આવી છે. 

કોંગ્રેસના સંકટમોચક ડી કે શિવકુમારની ધરપકડ કર્યા બાદ દિલ્હીથી કર્ણાટક સુધી આ આદેશનો વિરોધ કરવામાં આવ્યો હતો. બેંગલુરુમાં શિવકુમારની ધરપકડ થઈ હોવાની જાણ થતા જ તેમના સમર્થકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. બેકાબુ બનેલા સમર્થકોએ રસ્તો જામ કરીને સરકારી બસોમાં આગ લગાવી દીધી હતી. 

આઈએનએક્સ મીડિયા કેસમાં પી. ચિદમ્બરમની ધરપકડ પછી હવે શિવકુમારની ધરપકડ પણ મની લોન્ડરીંગનાં કેસમાં કરવામાં આવી છે. આ મામલે કોંગ્રેસે નિંદા કરતા કહ્યું હતું કે, સરકાર મુખ્ય મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવા માટે બદલાની રાજનીતિ અંતર્ગત કાર્યવાહી કરી રહી છે. જ્યારે શિવકુમારના સમર્થકોએ ઈડી કાર્યાલયની બહાર નારેબાજી કરી હતી. 

ઈડીનાં જણાવ્યા અનુસાર, શિવકુમાર પર હવાલા નેટવર્ક દ્વારા કરોડો રૂપિયાની લેવડદેવડનો આરોપ છે. શિવકુમારે પોતાના પરનાં આરોપો નકાર્યા હતા અને કહ્યું હતું કે 2017માં ગુજરાતની રાજ્યસભા સીટો પર ચૂંટણી વખતે ધારાસભ્યોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા નિભાવી હોવાથી રાજકીય બદલો લેવા તેમના પર આ કાર્યવાહી થઈ રહી છે.

કરોડો રૂપિયાની સંપત્તિનાં માલિક ડી કે શિવકુમાર ચૂંટણી મેનેજમેન્ટનાં ચાણક્ય છે તો કોંગ્રેસ પાર્ટીનાં દરેક સંકટને દૂર રાખવામાં પણ અગ્રેસર રહે છે. તેઓ ફંડ મેળવવાની સાથે સભાઓમાં ભીડ એકત્ર કરવાનું કામ પણ કરે છે. શિવકુમારે વિપક્ષનો ગઢ મનાતી બેલ્લારી લોકસભા સીટ અને રામનગર વિધાનસભા સીટ પર કોંગ્રેસને જીત અપાવી હતી. અહીં કોંગ્રેસને 14 વર્ષ પછી વિજય પ્રાપ્ત થયો હતો.