નર્મદાના પાણી ગોલ્ડન બ્રિજ ઝૂંપડપટ્ટીમાં ફરી વળતાં 70 લોકોનું કરાયું સ્થળાંતર

0
30

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી 135 મીટરને પાર કરી ગયા બાદ ડેમના 21 દરવાજા ખોલી છોડવામાં આવી રહેલ પાણીના કારણે ભરુચ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી છે. નર્મદા નદીના પાણી નીચાણવાળા વિસ્તારમાં પ્રવેશી જતાં 70થી વધારે લોકોને સલામત સ્થળે ખસેડાયાં છે.

ચાલુ વર્ષે નર્મદા ડેમમાં પાણીની રેલમછેલ જોવા મળી રહી છે. ઉપરવાસમાં મેઘરાજા મહેરબાન થતાં ડેમની સપાટી 135 મીટરને પાર કરી ગઇ છે. ડેમનું રુલ લેવલ જાળવી રાખવા માટે ડેમના 21 દરવાજા ખોલીને ચાર લાખ ક્યુસેકથી વધારે પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી આવી રહેલા લાખો ક્યુસેક પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીએ 24 ફૂટની ભયજનક સપાટી વટાવી છે. હાલ નર્મદા નદીની સપાટી 25 ફૂટ પર પહોંચી છે. નદીની સપાટી વધવાથી ગોલ્ડન બ્રિજ ઝૂંપડપટ્ટીમાં પાણી પ્રવેશી જતાં 70થી વધારે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. ડેમમાંથી આવી રહેલા પાણીના પગલે કાંઠા વિસ્તારના 20 ગામના લોકોને તંત્ર દ્વારા સાબદા રહેવાની સુચના આપવામાં આવી છે.