માતા-પિતાએ ત્યજી દીધેલું બાળક વેન્ટીલેટર પર, હિંમતનગર પોલીસે કહ્યું ‘અમે છીએ તેના વાલી’

0
23

હિંમતનગરઃ ૨૯ ઓગસ્ટના રોજ હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાએ એક બાળકને જન્મ અપાતા નવજાત શિશુને તાત્કાલિક સારવારની જરૂર જણાતા તાબડતોડ સારવાર અર્થે હિંમતનગરની સંજીવનીનિયોનેટલ એન્ડ આઈસીસીયુ ચીલ્ડ્રન હોસ્પિટલમાં નવજાત શિશુના માતા-પિતાએ સારવાર અર્થે દાખલ કરી અગમ્ય કારણોસર બાળકને ત્યજીને માતા-પિતા રફુચક્કર થયા હતા. જેથી હોસ્પિટલના તબીબો વિમાસણમાં મુકાયા હતા. તબીબે ઘટનાની ગંભીરતા સમજી હિંમતનગર પોલીસને જાણ કરી હતી. પોલીસે નવજાત જન્મેલા બાળકને ત્યજીને જતા રહેલા શીશુની સારવાર કરાવી વાલી તરીકેની જવાબદારી સંભાળી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

હિંમતનગરની સંજીવની નિયોનેટલ એન્ડ આઈસીસીયુ ચીલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરેલ નવજાત શિશુના માતા-પિતા માનવતા નેવે મૂકી ફરાર થઈ જતા હોસ્પિટલના તબીબોએ શોધખોળ હાથ ધરી છે. માતા-પિતાનો સંપર્ક કરવાના પ્રયત્નો પછી પણ નવજાત બાળકના માતા-પિતા ન મળતા આખરે હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. હિમાંશુ પટેલે બી ડીવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પી.એસ.આઈ પી.વી.ગોહિલે ઘટનાની ગંભીરતા સમજી સાબરકાંઠા એસ.પી ચૈતન્ય માંડલિકને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી.

સાબરકાંઠા પોલીસવડા ચૈતન્ય માંડલિકે પીએસઆઈ ગોહિલને બાળકની તબિયત પૂછી બાળકને અદ્યતન સારવાર આપવા તાકીદ કરી હતી.સંજીવની હોસ્પિટલના તબીબે હોસ્પિટલમાં આવેલા પીએસઆઈ ગોહિલને નવજાત શિશુને અત્યારે હાલમાં બાળકની તબીયત ખુબજ નાજુક છે, તથા તેને શ્વાસ લેવામાં તકલીફ પડે છે તેવી જાણકારી આપી. હાલમાં બાળક વેન્ટીલેટર ઉપર છે જો તાત્કાલીક તેની સર્જરી કરવામાં આવે તો તેની આ બિમારી નિવારી શકાય તેમ છે તથા તેને આ માટે આગળ અમદાવાદ સિવિલ હોસ્પિટલ રિફર કરવું પડશે જેના માટે તેની જવાબદારી લેવા માટે તેના કોઇ વારસદાર કે સગા વ્હાલાની જરૂરિયાત ઉભી થશે. તેવું જણાવતા આ અંગે પીએસઆઈ ગોહિલે એસ.પી ચૈતન્ય માંડલિકને માહિતગાર કર્યા હતા.

જીલ્લા પોલીસવડા ચૈતન્ય માંડલિકે તાત્કાલિક નવજાત શિશુને સારવાર મળી રહે તે માટે એક પળનો પણ વિચાર કર્યા વગર માનવતા ભર્યો નિર્ણય લઈ સાબરકાંઠા પોલીસ તેના વાલી તરીકેની ફરજ બજાવશે તથા તેની સારવાર માટે જે કોઇ આર્થિક ખર્ચ તથા બીજી કોઇ પણ જરૂરિયાત માટે સાબરકાંઠા પોલીસ તેની સાથે રહેશે છેલ્લા ચાર દિવસથી પીએસઆઈ ગોહિલ અને તેમની ટિમ ખડેપગે ઉભી રહી છે.તથા બીજી એક ટીમે તેના માતા પિતાની શોધ ખોળ કરવાનું ચાલુ રાખી છે.

બાળકને વધુ સારવારની અને સર્જરી જરૂરિયાત હોઇ તેને અમદાવાદ સિવિલ ખાતે એક ડોક્ટરની ટીમ તથા પોલીસ તેના વાલી તરીકે મોકલી આપ્યા હતા બાળકના વાલી તરીકેની અને બીજી તમામ જવાબદારી સાબરકાંઠા પોલીસ ઉપાડશે તેમ જણાવ્યું છે.

નવજાત શિશુને ત્યજી દેનાર માતા પિતા રહ્યા છે તે સંદર્ભે હિંમતનગર બી.ડીવી.પોલીસ સ્ટેશન કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.