
જાપાનમાં ૭.૬ની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો છે અને તેના પગલે કેટલાય સ્થળો ખાલી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત એક સમયે સુનામીની ચેતવણી આપવામાં આવી હતી, તે પરત ખેંચી લેવામાં આવી છે. ભૂકંપના પગલે જાપાનમાં હોકેઇડો, એઓમોરી અને ઇવેટ માં ચેતવણી જારી કરતાં જણાવાયું છે કે અહીં ત્રણ-ત્રણ મીટર ઊંચા મોજા ઉછળે તેવી સંભાવના છે. ટોહોકુ ઇલેક્ટ્રિક પાવર અને હોકેઇડો ઇલેક્ટ્રિક પાવર દ્વારા સંચાલિત પરમાણુ મથકમાં કોઈ નુકસાનીના સમાચાર નથી, એમ કંપનીઓએ જણાવ્યું હતું. ટોહોકુ ઇલેક્ટ્રિકે જણાવ્યું હતું કે ભૂકંપના કારણે હજારો રહેવાસીઓને પાવર આઉટેજની તકલીફનો સામનો કરવો પડયો હતો. જાપાન સિસ્મિકલી સક્રિય રિંગ ઓફ ફાયર પર આવેલું છે. રિંગ ઓફ ફાયર જ્વાળામુખીની ચેઇન છે અને તે પેસિફિકમાં ઉંડે સુધી પથરાયેલી છે. તેના પરિણામે વિશ્વમાં છ રિક્ટર સ્કેલ કે તેનાથી વધુની તીવ્રતાના આવતા ભૂકંપમાંથી ૨૦ ટકા ભૂકંપ જાપાનમાં આવે છે.


