કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં રહેતાં પ્રાણી અને પક્ષી મૃત્યુ પામે તો તેમના અંતિમ સંસ્કાર બાળીને અથવા દાટીને કરાતા હતા. હવે તેમના અંતિમ સંસ્કાર માટે ઝૂની અંદર જ સીએનજી ભઠ્ઠી તૈયાર કરાશે. પર્યાવરણ અને લાકડાની બચત કરવાના હેતુથી મ્યુનિ. ના રિક્રિએશન વિભાગે 40 લાખના ખર્ચે ભઠ્ઠી તૈયાર કરવા નિર્ણય કર્યો છે. સીએનજી ભઠ્ઠી બનાવવાનું શરૂ થઈ ગયું છે અને 4 મહિનામાં તેનો ઉપયોગ શરૂ થશે.મ્યુનિ. રિક્રિએશન કમિટીના ચેરમેન રાજેશ દવેએ કહ્યું કે, શિડ્યુલ-1 પક્ષી અને પ્રાણીના અંતિમ સંસ્કાર માટે વ્યવસ્થા કરી છે. કાંકરિયા ઝૂમાં 1 કરોડના ખર્ચે એક બિલ્ડિંગ તૈયાર થશે જેમાં મૃતક પક્ષી અને પ્રાણીઓના પોસ્ટમોર્ટમ થઈ શકશે. એક કરોડની બિલ્ડિંગ તૈયાર કરવા 35 લાખ કેન્દ્ર સરકાર આપશે જ્યારે બાકીના 65 લાખ મ્યુનિ. આપશે. શહેરના 283 બગીચામાં પ્રાણીઓની લાદનો ઉપયોગ થાય છે.