
કર્ણાવતી યુનિવર્સિટી ખાતે મહારાષ્ટ્ર એફડીએ કમિશનર તુકારામ મુંઢેએ વિદ્યાર્થીઓ સાથે જાહેર આરોગ્ય અને નેતૃત્વ વિષય પર ચર્ચા કરી.
ગાંધીનગર, 26 સપ્ટેમ્બર: મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) કમિશનર તુકારામ મુંઢેએ શનિવારે તેમની પ્રથમ ગુજરાત મુલાકાત દરમિયાન કર્ણાવતી યુનિવર્સિટી ખાતે લગભગ અઢી કલાકના સત્રમાં વિદ્યાર્થીઓ સાથે નેતૃત્વ, જાહેર જવાબદારી અને ખાદ્ય સુરક્ષા વિષય પર સંવાદ કર્યો હતો.
‘સ્ટ્રેટ ટોક વિથ મહારાષ્ટ્ર એફડીએ કમિશનર’ શીર્ષક હેઠળ અને ‘તુકારામ સે ટક્કર’ થીમ પર આધારિત આ કાર્યક્રમે વિદ્યાર્થીઓને મુંઢેની જાહેર સેવા ક્ષેત્રની કારકિર્દી, પડકારજનક નિર્ણયો લેવાની મુશ્કેલીઓ અને તેમના કાર્યને માર્ગદર્શન આપતા સિદ્ધાંતો વિશે સાંભળવાની તક પૂરી પાડી હતી.
વિદ્યાર્થીઓને સંબોધતા મુંઢેએ જણાવ્યું હતું કે સ્પષ્ટ વિઝન હોવાની સાથે કાર્યમાં પ્રામાણિકતા અને સાતત્ય પણ હોવું જરૂરી છે. તેમણે કહ્યું, “હું કોઈથી ડરતો નથી કારણ કે મારો અંતરાત્મા શુદ્ધ છે. મારું કાર્ય સમાજ અને તેના ઉત્થાન માટે છે. હું એવું ભવિષ્ય ઘડવામાં મદદ કરવા માંગુ છું જે સ્વસ્થ, રહેવાલાયક અને રોગમુક્ત હોય.”
આ ચર્ચાનો મુખ્ય ભાગ ખાદ્ય સુરક્ષા અને જાહેર આરોગ્ય પર તેની વ્યાપક અસરો પર કેન્દ્રિત હતો. મુંઢેએ જણાવ્યું હતું કે નોંધણી અને લાયસન્સ સંબંધિત જરૂરિયાતોનું પાલન કરવામાં આવી રહ્યું છે, પરંતુ અન્ય ખાદ્ય સુરક્ષા નિયમોનું યોગ્ય પાલન હજી પણ ચિંતાનો વિષય છે. તેમણે દલીલ કરી હતી કે આરોગ્ય પર ખાનપાનની અસરોને હંમેશા પૂરેપૂરી ધ્યાનમાં લેવામાં આવતી નથી, અને તેમણે કેન્સર, ડાયાબિટીસ, હાઈપરટેન્શન અને હૃદય સંબંધિત બિમારીઓ સહિતના બિન-ચેપી રોગો (NCDs)ના વધી રહેલા બોજ તરફ ઈશારો કર્યો હતો.
તેમણે કહ્યું, “આજે ભારતમાં રોગોના કુલ બોજમાંથી 65 થી 70% હિસ્સો બિન-ચેપી રોગોનો છે. આ બાબત આપણે શું ખાઈએ છીએ તેની સાથે સીધો સંબંધ ધરાવે છે. ખાદ્ય સુરક્ષા એ જાહેર આરોગ્યનો વિષય છે એ વાત આપણે જેટલી જલ્દી સમજીશું, તેટલું જ આપણા માટે વધુ સારું રહેશે.”
મહારાષ્ટ્ર એફડીએ ના તેમના અનુભવનો ઉલ્લેખ કરતા મુંઢેએ જણાવ્યું હતું કે કાયદાનું પાલન કરાવવું એ માત્ર તપાસ કરવા કે ઉલ્લંઘન સામે કાર્યવાહી કરવા પૂરતું સીમિત ન હોવું જોઈએ. તેમણે ખાદ્ય વ્યવસાયો અને રેસ્ટોરન્ટ માલિકોમાં જાગૃતિ કેળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જેથી સુરક્ષિત પદ્ધતિઓનું પાલન કરવું એ માત્ર નિયમનકારી કાર્યવાહીનો પ્રતિભાવ ન બનતા એક સમજેલી જવાબદારી બને.
તેમણે કહ્યું, “મારા માટે ખોરાકની સજાવટ કે તેનો રંગ મહત્વનો નથી. મારા માટે જાહેર આરોગ્ય અને સુરક્ષિત ખોરાક મહત્વ ધરાવે છે. તે મારી જવાબદારી છે.”
મુંઢેએ ખોરાક અને હેલ્થકેર પ્રોડક્ટ્સની જાહેરાત તેમજ તેનું પ્રમોશન કરતા બ્રાન્ડ એમ્બેસેડર્સ અને જાહેર હસ્તીઓની જવાબદારી વિશે પણ ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગેરમાર્ગે દોરતા દાવાઓ સામે ગલાં લેવા માટે કાયદા અને નિયમો ઉપલબ્ધ છે, પરંતુ તેનો કડક અમલ થવો જરૂરી છે.
મુંઢેએ બાળકોને બિનઆરોગ્યપ્રદ ખોરાકના વાતાવરણથી બચાવવાના પ્રયાસો વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આકર્ષક જાહેરાતો, પેકેજિંગ અને શાળાઓ નજીક જંક ફૂડની સરળ ઉપલબ્ધતા બાળકોની પસંદગીઓને અસર કરી શકે છે.
તેમણે શાળા પરિસરના 50 મીટરના દાયરામાં વધુ પડતી ચરબી, ખાંડ અને મીઠું ધરાવતા (HFSS) ખાદ્ય પદાર્થોના વેચાણ, જાહેરાત અને મફત વિતરણ પર પ્રતિબંધ મૂકવા માટે મહારાષ્ટ્રમાં હાથ ધરવામાં આવેલા પગલાંનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ પગલાં શાળાઓને ફળો, શાકભાજી, કઠોળ, આખા અનાજ અને ડેરી પેદાશો સહિતના વધુ પૌષ્ટિક વિકલ્પોને પ્રોત્સાહન આપવા માટે પણ પ્રેરિત કરે છે.
પ્રશ્નોત્તરી ના સત્ર દરમિયાન, એક વિદ્યાર્થીએ પૂછ્યું કે મુંઢે તેમનું વર્તમાન પદ છોડ્યા પછી પણ તેમના કામની અસર કેવી રીતે જળવાઈ રહેશે, ખાસ કરીને જો તેમના અનુગામી અલગ અભિગમ અપનાવે તો? આના જવાબમાં મુંઢેએ વેપારીઓ અને અન્ય હિતધારકોમાં કાયમી જાગૃતિ લાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે અર્થપૂર્ણ પરિવર્તન ત્યારે જ આવશે જ્યારે ખાદ્ય વ્યાવસાયિકો એ વાત સમજે કે ટૂંકા ગાળાના નાણાકીય લાભો કરતાં જાહેર આરોગ્યને પ્રાથમિકતા મળવી જોઈએ અને તેઓ પોતાની જવાબદારી સમજીને સુરક્ષિત પદ્ધતિઓનું પાલન કરે. તેમણે કહ્યું કે, હેતુ એવો હોવો જોઈએ કે સમસ્યાઓનો નિકાલ એવી રીતે થાય જેથી વારંવાર સુધારાત્મક પગલાં લેવાની જરૂરિયાત જ ઘટી જાય.
આ સત્રમાં નૈતિક માર્ગ પસંદ કરવા અને પોતાના સિદ્ધાંતો પર અડીખમ રહેવાના મહત્વ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. સત્રના અંતે વિદ્યાર્થીઓને સંદેશ આપવામાં આવ્યો હતો કે નેતૃત્વ માત્ર પદ કે સત્તાથી વ્યાખ્યાયિત નથી થતું, પરંતુ તે હેતુ, જવાબદેહી અને વ્યાપક સમાજ કલ્યાણ માટે કામ કરવાની ઈચ્છાશક્તિથી ઓળખાય છે.
