ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં અચાનક આગ લાગી હતી, ટેન્ટ વચ્ચે જ એક સિલિન્ડર ફાટયો હતો જેને કારણે સમગ્ર વિસ્તારમાં આગ ફેલાઇ ગઇ હતી. આગની લપેટમાં આવેલા ૨૦૦ જેટલા તંબુ બળીને ખાખ થઇ ગયા હતા. આગને કાબુમાં લેવામાં કલાકોનો સમય લાગી ગયો હતો. શાસ્ત્રી બ્રિજના સેક્ટર ૧૯માં આ આગ ફેલાઇ હતી, સ્થાનિક લોકોનો દાવો છે કે આશરે ૫૦૦ જેટલા તંબુ બળીને ખાખ થઇ ગયા છે. જોકે સ્થાનિક અધિકારીઓનો દાવો છે કે ૨૦ જેટલા તંબુ બળી ગયા છે. આગની ઘટના બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સ્થળ પર પહોંચ્યા હતા. પ્રાથમિક અહેવાલોમાં સામે આવ્યું છે કે ભોજન બનાવતી વખતે સિલિન્ડર ફાટયો હતો, જેને કારણે વિસ્ફોટની આસપાસના તંબુ આગની લપેટમાં આવી ગયા, આ આગ જોતજોતામાં ૫૦૦ જેટલા તંબુ સુધી પહોંચી ગઇ હતી, હવામાં ધુમાડાના વિશાળ ગોળા જોવા મળ્યા હતા. આગ પર કાબુ મેળવવા માટે ફાયરફાઇટર્સની ૨૦થી વધુ ગાડીઓ અને જવાનો સ્થળ પર પહોંચ્યા હતા. સાથે જ કેટલીક એમ્બ્યૂલંસ પણ તૈયાર રાખવામાં આવી હતી. જોકે આગમાં કોઇ જાનહાની થઇ હોવાના અહેવાલો નથી. પરંતુ અનેક તંબુ બળીને ખાખ થઇ ગયા હોવાથી શ્રદ્ધાળુઓએ અત્યંત ઠંડીમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આગ એટલી ભિષણ હતી કે તંબુની સાથે તેમાં રખાયેલી વસ્તુઓ પણ બળીને ખાખ થઇ ગઇ હતી અને ધુમાડો ૩૦૦ ફૂટ ઉંચે સુધી ફેલાતો જોવા મળ્યો હતો. રિપોર્ટ મુજબ મહાકુંભ ક્ષેત્રમાં સેક્ટર ૧૯માં આવેલા અખિલ ભારતીય ધર્મ સંઘ શ્રીકરપાત્રી ધામ વારાણસીના તંબુમાં સૌથી પહેલા આગ લાગી હતી. જેથી આસપાસના તંબુઓમાં પણ આ આગ ફેલાઇ ગઇ હતી. કુંભ મેળાના મુખ્ય ફાયર અધિકારી પ્રમોદ શર્માએ દાવો કર્યો હતો કે આશરે ૧૮ જેટલા તંબુ બળી ગયા છે. જ્યારે સ્થાનિકોનો દાવો છે કે આશરે ૨૦૦થી ૫૦૦ જેટલા તંબુ સુધી આગ ફેલાઇ ગઇ હતી. પ્રયાગરાજના ડીએમ રવિન્દ્ર કુમારે મીડિયાને જણાવ્યું હતું કે સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ ગીતા પ્રેસના તંબુમાં સૌથી પહેલા આગ લાગી હતી. જ્યારે ગીતા પ્રેસ ગોરખપુરના ટ્રસ્ટી કૃષ્ણ કુમારે કહ્યું હતું કે આ તંબુ માત્ર ગીતા પ્રેસનો નહોતો અમારી સાથે અખિલ ભારતીય ધર્મ સંઘના લોકો પણ જોડાયેલા હતા. અમે સુરક્ષાની તમામ તકેદારી રાખી છે. એડીજી ભાનુ ભાસ્કરે જણાવ્યું હતું કે આગ લાગવા પાછળના કારણોની તપાસ ચાલી રહી છે. આશરે બેથી ત્રણ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હોવાના અહેવાલો છે. હાલ આગ પર કાબુ મેળવી લેવામા આવ્યો છે અને કોઇ જાનહાની નથી થઇ તેમ પોલીસે જણાવ્યું હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સુરક્ષા મુદ્દે સ્થાનિક અધિકારીઓની સાથે ચર્ચા કરી હતી. સાથે જ ઇમર્જન્સીની સ્થિતિમાં પહોંચી વળવા માટે વધારાના ડોક્ટરોને પણ બોલાવી લેવાયા હતા. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ મામલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે ફોન પર વાત કરી હતી.
મહાકુંભ મેળામાં અચાનક આગ લાગી, ૨૦૦થી ૫૦૦ તંબુ આગની લપેટમાં આવ્યા : ૨૦ ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ, ડોક્ટરો સ્થળે દોડી ગયા
Date: