સુરત : સુરતમાં હાલ અતુલ બેકરીના માલિકના હિટ એન્ડ રન નો કિસ્સો ટોકિંગ પોઈન્ટ બન્યો છે. વેસુ રોડ પર અતુલ બેકરી ના સંચાલક અતુલ વેંકરિયાએ પૂરઝડપે કાર હંકારીને 3 ગાડીઓને અડફેટે લીધી હતી. જેમાં મોપેડ ચાલક એક યુવતીનું મોત નિપજ્યું હતું. ઉમરા પોલીસે અતુલ વેંકરિયાની અટકાયત કરી હતી, જેના બાદ તેના જામીન મંજૂર થયા હતા. જોકે, અતુલ વેંકરિયા ની કારની અફડેટે જે યુવતીનું મોત નિપજ્યું છે, તે યુવતી બારડોની વતની છે. વ્હાલસોયી દીકરી ગુમાવવાથી તેના પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે.સુરતના વેસુ રોડ પર જે.એચ અંબાણી સ્કૂલ પાસે અતુલ બેકરીના સંચાલક અતુલ વેંકરિયાએ અકસ્માતોની વણઝાર સર્જી હતી. તેમની પૂરઝડપે ભાગેલી કારે 3 મોપેડને અડફેટે લીધી હતી. રોડ બાજુમાં બાઇક પાર્ક કરી ફ્રેંક નો ઓર્ડર આપી ફ્રેંકીની રાહ જોતા બાઇક ચાલકો પર કાર ફરી વળી હતી. જેના બાદ અતુલ વેંકરિયાની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, અતુલ વેંકરિયાના જામીન પોલીસ સ્ટેશનમાંથી મંજૂર પણ થયા હતા. પોલીસે IPC 304 (અ) જેવા સામાન્ય ગુના દાખલ કરતા તાત્કાલિક જામીન મળી ગયા હતા. જોકે, વેંકરિયાનું દારૂ પીધેલાનું મેડિકલ 9 કલાક પછી કરાતા અનેક તર્કવિતર્ક સર્જાયા હતા. અતુલ વેંકરિયાની કારની અડફેટે બારડોલીના વધાવા ગામની ઉર્વશી ચૌધરીનું મોત નિપજ્યું છે. જુવાનજોધ દીકરીના મોતથી પરિવાર દુખી થયું છે. તેથી જ અતુલ વેંકરિયાને કડક સજા થાય તેવી માંગણી ઉઠી હતી. જોકે, આ વચ્ચે મૃત્યુ પામનાર ઉર્વશીની માતાએ કહ્યું કે, ‘આ મામલે પોલીસ આરોપીને લઈ ગઈ છતાં એ એવું કહે છે કે હું નહોતો ચલાવતો મારો ડ્રાઇવર ચલાવતો હતો. એણે ખૂન કર્યુ છે એટલે કોઈ પૂછવા નથી આવ્યું, કેમ હું ગરીબ છું એટલે? બહું બહું તો એ મને પૈસા આપશે. મારી દીકરીને પાનેતર ઓઢાડવાનો દિવસ હતો. એને છોકરો જોવા આવવાનો હતો સંબંધ નક્કી કરવાનો હતો. આજે મેં એને અગ્નિ દાહ આપ્યો છે. અમને ફોન આવે છે કે તમે કેસ શું કામ લાંબો કરો છો, એ રૂપિયા વાળો માણસ છે. હું તો એવું કહું છું કે જો અહીંયા સજા નહીં મળે તો ઉપર સજા મળશે.’