કડવી-મીઠી યાદો સાથે 2021નું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને દરેક વ્યક્તિ નવા વર્ષની આતુરતાથી રાહ જોઈ રહી છે. કોરોનાકાળમાં દરેકને નવું વર્ષ નવી આશાઓ લઈને આવે એવી અપેક્ષા છે. આવનારા વર્ષને લઈ પ્રસિદ્ધ ભવિષ્યવક્તા બલ્ગેરિયાની નેત્રહીન વાંગેલિયા પાંડવા ગુશ્ટેરોવા ઉર્ફે બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી હતી કે 2022માં ધરતી પર પ્રલય આવશે અને ભારતમાં ભૂખમરો આવશે.
અનેક ભવિષ્યવાણી સાચી થઈ છે
બાબા વેંગા મુજબ, આવનારા વર્ષમાં ભૂકંપ અને સુનામીનો ખતરો વધશે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે એલિયન્સ દ્વારા ઓમુઆમુઆ નામનો એક્સરોઇઠ ધરતી પર મોકલશે. બાબા વેંગા વિશે કહેવાય છે કે આંખોની રોશની ગુમાવ્યા છતાંય તેઓ ભવિષ્યને સ્પષ્ટ રીતે જોઈ શકતા હતા, તેમની અનેક ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે. વેંગા બાબાનું 1996માં નિધન થયું હતું. તેમની ભવિષ્યવાણી ક્યાંય લખેલી નથી, પરંતુ કહેવાય છે કે પોતાના અનુયાયીઓને તેમને મૌખિક રીતે આ ભવિષ્યવાણીઓ વિશે જણાવ્યું હતું.
ભારતમાં ગ્લોબલ વોર્મિંગ વધશે
બાબા વેંગાની ભવિષ્યવાણી મુજબ, 2022માં દુનિયામાં પાણીનું સંકટ વધુ વિકટ બનશે. અનેક શહેરોમાં લોકોને પીવાના પાણીથી લઈને મુશ્કેલીનો સામનો કરવો પડશે. નદીઓનું પાણી પ્રદૂષિત થઈ જશે અને સરોવર-તળાવ વધુ સંકોચાતા જશે. તેમની ભવિષ્યવાણી મુજબ, પાણીની અછતને કારણે લોકોના પલાયનનું પ્રમાણ વધવા લાગશે. 2022માં ગ્લોબલ વોર્મિંગ વધશે અને તેની સૌથી વધુ અસર ભારતમાં જોવા મળશે. અહીં મહત્તમ તાપમાન 50 ડીગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે. બાબા વેંગાનું કહેવું છે કે તાપમાન વધવાને કારણે તીડની સંખ્યા અનેક ગણી વધી જશે, જે પાકને નષ્ટ કરી દેશે.
હિંદ મહાસાગરમાં ભૂકંપ બાદ સુનામી આવશે, ભારત સહિતના દેશોમાં વિનાશ વેરશે
બાબા વેંગાની ભવિષ્યવાણી મુજબ, હિંદ મહાસાગરમાં ભૂકંપ બાદ એક મોટી સુનામી આવશે. આ સુનામી ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ઈન્ડોનેશિયા અને ભારત સહિત અનેક દેશોના દરિયાકાંઠા વિસ્તારોને પોતાની ઝપટમાં લઈ લેશે. આ સુનામીને કારણે ભારે નુકસાન વેઠવું પડશે અને અનેક લોકો જીવ પણ ગુમાવશે. આ ઉપરાંત આવતા વર્ષે સાઇબેરિયામાં એક નવો ઘાતક વાઇરસ શોધાશે, જે માનવજાતિ માટે ખતરો ઊભો કરશે.