કોલકાતા : પશ્ચિમ બંગાળના હજારો યુવકોએ સરકારી નોકરીનું સપનું જોઇને એસએસસી (સ્કૂલ સર્વિસ કમિશન)ની પરીક્ષા આપી હતી. લાગતું હતું કે જિંદગી સુધરી જશે પણ કૌભાંડના જિને તેમની એવી હાલત કરી મૂકી છે કે ઉમેદવારો 510 દિવસથી નોકરી માટે ધરણાં પર બેઠા છે. રાજ્ય સરકાર તેમને આશ્વાસન તો આપી રહી છે પણ યુવાનો નિમણૂકપત્રની માગ કરી રહ્યા છે. તેઓ કોલકાતામાં ગાંધીજીના પૂતળા આગળ ધરણાં પર બેઠા છે. તાજેતરમાં પૂર્વ શિક્ષણમંત્રી પાર્થ ચેટરજીની ધરપકડ બાદ મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજીએ પણ આ યુવાનોની મુલાકાત લીધી હતી.એસએસસીની પરીક્ષા 2016માં લેવાઇ હતી. 2017માં પરિણામ આવ્યું તેમાં સિલીગુડીની બબીતા સરકારને 77 માર્ક મળ્યા. આ દરમિયાન મેરિટ લિસ્ટ રદ કરી દેવાયું. નવા મેરિટમાં બબીતાનું નામ વેઇટિંગ લિસ્ટમાં જતું રહ્યું જ્યારે રાજ્યના મંત્રી પરેશ અધિકારીની પુત્રી અંકિતાના માર્ક બબીતાથી ઓછા હોવા છતાં તેનું નામ મેરિટમાં પહેલા નંબરે આવી ગયું. આ મેરિટને બબીતાના પતિએ હાઇકોર્ટમાં પડકારતાં કૌભાંડના પડ ખૂલવા લાગ્યા. કોર્ટમાં સત્ય સામે આવ્યું અને અંકિતાની નોકરી ફેક નીકળી. કોર્ટે અંકિતાને નોકરીમાંથી હટાવવાની સાથોસાથ તેણે નોકરી દરમિયાન મેળવેલા પગારની કુલ રકમ પરત કરવાનો પણ આદેશ કર્યો. તે પછી બબીતાને તો નોકરી મળી ગઇ પણ 5,000 યુવાનો આજે પણ નિમણૂકપત્રની રાહ જોઇ રહ્યા છે. તપાસથી માલૂમ પડ્યું કે આઇટીઆઇના માધ્યમથી કેટલાક ઉમેદવારોના માર્ક વધારાયા અને અંદાજે 1,000 અયોગ્ય લોકોને નોકરી અપાઇ. તેમાં 250 લોકો તો એવા હતા કે જેમના મેરિટ લિસ્ટમાં નામ જ નહોતા. સમગ્ર મામલે સીબીઆઇ તપાસ કરી રહી હતી.